પહેલા Gen-Zનું આંદોલન, હવે ઇંધણનો માર: નેપાળમાં સંકટ વધુ ઘેરું બન્યું
નેપાળ હાલમાં બેવડા સંકટનો સામનો કરી રહ્યું છે. એક તરફ, Gen-Z ક્રાંતિએ દેશના રાજકારણને સંપૂર્ણપણે હચમચાવી નાખ્યું છે, તો બીજી તરફ, હવે ઈંધણનો પુરવઠો ઠપ થઈ જવાથી સામાન્ય જનતા મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. ભારત-નેપાળ સરહદ સીલ થવાથી સેંકડો તેલ ટેન્કર ફસાયેલા છે અને પેટ્રોલ-ડીઝલની ભારે અછતે નેપાળી નાગરિકોની પરેશાનીમાં વધારો કર્યો છે.
શું છે મામલો?
થોડા સમય પહેલા નેપાળમાં Gen-Z યુવાનોએ ભ્રષ્ટાચાર અને સોશિયલ મીડિયા પ્રતિબંધ વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું હતું. જોતજોતામાં આ આંદોલન હિંસક બન્યું. જેમાં 30 લોકોના મોત થયા અને સેંકડો ઘાયલ થયા. પરિસ્થિતિ એટલી ખરાબ થઈ કે વડા પ્રધાન કેપી શર્મા ઓલીને રાજીનામું આપવું પડ્યું અને સેનાને કમાન સંભાળવી પડી. હાલમાં નેપાળ કર્ફ્યુના છાયામાં છે અને રાજકીય નેતૃત્વ અધવચ્ચે લટકી રહ્યું છે.

ઈંધણ સંકટ
ભારત-નેપાળ સરહદ બંધ થવાથી તેલ ટેન્કર દેશના જુદા જુદા ભાગોમાં ફસાયા છે. કાઠમંડુ અને ધનગઢી જેવા શહેરોમાં પેટ્રોલ પંપ ખાલી થઈ ગયા છે. ખાનગી પેટ્રોલ સ્ટેશનો પર તાળા લાગેલા છે અને લોકો સરકારી પંપ પર કલાકો સુધી લાઈનમાં ઊભા રહીને રાહ જોઈ રહ્યા છે. જ્યાં સુધી કર્ફ્યુ હટાવવામાં ન આવે અને સરહદ સામાન્ય ન થાય, ત્યાં સુધી આ સંકટ વધુ ઘેરું બનશે.
નેતૃત્વની શોધ
રાજકીય ઉથલપાથલ વચ્ચે નેપાળમાં વચગાળાના વડાપ્રધાનની શોધ ચાલુ છે. સૌથી મજબૂત દાવેદાર તરીકે પૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કીને માનવામાં આવે છે. તેમને કાઠમંડુના મેયર બાલેન શાહ અને ઘણા મોટા નેતાઓનું સમર્થન મળી ચૂક્યું છે. તેમના સિવાય ધરનના મેયર હરકા સાંપાંગ, પૂર્વ એનઈએ પ્રમુખ કુલમન ઘીસિંગ અને અન્ય નામો પણ ચર્ચામાં છે. જોકે, હાલમાં સુશીલા કાર્કી જ આગળ દેખાઈ રહ્યા છે.
કર્ફ્યુમાં રાહત
નેપાળમાં અધિકારીઓએ થોડા સમય માટે કર્ફ્યુમાં રાહત આપી છે. સવારે 6 થી 11 વાગ્યા અને સાંજે 5 થી 7 વાગ્યા સુધી લોકોને બહાર નીકળવાની પરવાનગી છે. બાકીના સમયે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કર્ફ્યુ ચાલુ રહેશે.

શાંતિની અપીલ
નેપાળના રાષ્ટ્રપતિએ લોકોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી છે. જ્યારે સેના અને વહીવટીતંત્ર જેન-ઝેડ નેતાઓ પર દબાણ બનાવી રહ્યા છે કે તેઓ વહેલી તકે વચગાળાની સરકાર પર સહમતિ આપે.
ભારત પર અસર
નેપાળમાં ચાલી રહેલી અશાંતિની અસર ભારત પર પણ જોવા મળી રહી છે. દિલ્હીથી કાઠમંડુ જતી ડીટીસીની એક બસ નેપાળમાં ફસાઈ ગઈ. મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ભારતીય અને નેપાળી દૂતાવાસ સતત સંપર્કમાં છે.
કુલ મળીને, નેપાળમાં જેન-ઝેડ ક્રાંતિએ રાજકીય ઉથલપાથલની સાથે સાથે આર્થિક સંકટ પણ ઊભું કર્યું છે. હવે બધાની નજર એ વાત પર ટકેલી છે કે નવી વચગાળાની સરકાર ક્યારે બને છે અને દેશની પરિસ્થિતિ ક્યારે સામાન્ય થાય છે.
