રશિયામાં પાકિસ્તાનની ચોરી પકડાઈ, હવે જૂઠું બોલીને છુપાવી રહ્યું છે હકીકત!
રશિયામાં નાક કપાઈ જતાં પાકિસ્તાન ગુસ્સે ભરાયું છે. તેણે ભારત પર જ આરોપ લગાવી દીધો છે, જે તેની જૂની આદત રહી છે. મોસ્કોમાં પાકિસ્તાની દૂતાવાસે દાવો કર્યો છે કે પાકિસ્તાન-રશિયા સંબંધો પરસ્પર સન્માન, વિશ્વાસ અને સહિયારા હિતો પર આધારિત છે અને આવા પ્રયાસોથી તે પર છે.
હકીકતમાં, રશિયામાં પાકિસ્તાનના જાસૂસી નેટવર્કનો પર્દાફાશ થયો હતો. ISI સાથે જોડાયેલા આ સિક્રેટ નેટવર્ક પર S-400 મિસાઇલ સિસ્ટમ સંબંધિત સંવેદનશીલ જાણકારીઓ એકઠી કરવાનો આરોપ લાગ્યો છે. દાવો કરવામાં આવ્યો હતો કે ISI મોસ્કોમાંથી સંવેદનશીલ સંરક્ષણ ટેક્નોલોજી મેળવવાનો પ્રયાસ કરી રહ્યું હતું. આ ખુલાસા બાદ પાકિસ્તાન ભડકી ગયું અને તેણે આ આરોપોને ફગાવીને ભારત પર દોષનો ટોપલો ઢોળ્યો.

પાકિસ્તાને શું કહ્યું?
મોસ્કોમાં પાકિસ્તાની દૂતાવાસે નિવેદન આપ્યું: “અમે ભારતીય મીડિયા આઉટલેટ્સ દ્વારા રશિયન ઉપકરણોની તસ્કરી કરીને પાકિસ્તાન મોકલવાની કહેવાતી મનઘડંત કહાણીને સદંતર નકારી કાઢીએ છીએ. આ પાયાવિહોણા સમાચાર એવા ટીકાકારોની હતાશા દર્શાવે છે જેઓ પાકિસ્તાન અને રશિયા વચ્ચેના લાંબા ગાળાના, મૈત્રીપૂર્ણ અને સહયોગાત્મક દ્વિપક્ષીય સંબંધોને નુકસાન પહોંચાડવામાં અસમર્થ છે. પાકિસ્તાન-રશિયા સંબંધો પરસ્પર સન્માન, વિશ્વાસ અને સહિયારા હિતો પર આધારિત છે અને આવા પ્રયાસોથી તે પર છે.”
શું છે આખો મામલો?
રશિયાના સેન્ટ-પીટર્સબર્ગ શહેરમાં એક રશિયન નાગરિકની ધરપકડ કરવામાં આવી હતી. તે સૈન્ય હેલિકોપ્ટર ટેક્નોલોજી અને હવાઈ સંરક્ષણ પ્રણાલીઓના વિકાસમાં ઉપયોગમાં લેવાતા દસ્તાવેજો, તેમજ સૈન્ય પરિવહન હેલિકોપ્ટરો સંબંધિત અન્ય માહિતીની તસ્કરી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

- S-400 ટેક્નોલોજી: ISIએ રશિયામાં નિર્મિત S-400 મિસાઇલ સંરક્ષણ પ્રણાલી સાથે જોડાયેલી ટેક્નોલોજીની તસ્કરી કરવાનો પ્રયાસ કર્યો હતો.
- હેલિકોપ્ટર ટેક્નોલોજી: પાકિસ્તાની એજન્સી એક અદ્યતન રશિયન સૈન્ય પરિવહન અને એટેક હેલિકોપ્ટર Mi8AMTShVની ટેક્નોલોજી પણ ચોરવાનો પ્રયાસ કરી રહી હતી, જે Mi8AMTSh ટર્મિનેટરનું આધુનિક સંસ્કરણ છે.
- આર્કટિક વર્ઝન પર નજર: પાકિસ્તાનની નજર રશિયન MI8 AMTShV (VA) સૈન્ય હેલિકોપ્ટર પર પણ હતી, જે ધ્રુવીય અભિયાનો માટે ડિઝાઇન કરવામાં આવેલું એક આર્કટિક વર્ઝન છે.

