વાડજમાં Paytm કર્મચારીના નામે ઠગાઈ, પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી
Paytm fraud Ahmedabad: અમદાવાદના વાડજ વિસ્તારમાં ઠગાઈનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. અહીં એક આધેડ વ્યક્તિને Paytm ના કર્મચારી તરીકે ઓળખ આપનાર શખ્સે લોન હપ્તો ઓછો કરાવવાના બહાને તેમની પાસે થી ₹93,000 ઉઠાવી લીધા હતા. આ મામલે હવે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
જૂના વાડજ વિસ્તારમાં રહેતા હસમુખભાઈ વાઘેલા, જે પોતાના ઘરના નીચે પાન પાર્લર ચલાવે છે, તેમણે પોલીસને આપેલી વિગત મુજબ બનાવ 20 ઓગસ્ટના બપોરના સમયે બન્યો હતો. તે દિવસે એક અજાણ્યો વ્યક્તિ બાઇક લઈને આવ્યો અને પોતાને Paytm કંપનીનો કર્મચારી કહી ઓળખ આપી. તેણે હસમુખભાઈને કહ્યું કે તે ચેક કરવા આવ્યો છે કે તેમની લોન અને Paytm ટ્રાન્ઝેક્શન યોગ્ય રીતે ચાલી રહ્યા છે કે નહીં.

તે પછી તેણે લોનના હપ્તા ઘટાડવાની વાત કરી અને હસમુખભાઈને પોતાના સ્કેનરથી ₹1 ટ્રાન્સફર કરવા કહ્યું. હસમુખભાઈએ પૈસા ટ્રાન્સફર કર્યા બાદ તે શખ્સે તેમનો મોબાઇલ માગ્યો અને Paytm એપ્લિકેશન ખોલી રાખી. થોડીવારમાં, જ્યારે ગ્રાહક આવવાથી હસમુખભાઈનું ધ્યાન અન્યત્ર ગયું, ત્યારે આ વ્યક્તિએ ₹48,000 અને ₹45,000 એમ બે અલગ ટ્રાન્ઝેક્શન કરી કુલ ₹93,000 બીજા ખાતામાં ટ્રાન્સફર કરી દીધા.

પછી તે શખ્સ હસમુખભાઈને કહી ગયો કે લોનના હપ્તા હવે ઓછા થઈ જશે. પરંતુ બે દિવસ બાદ હસમુખભાઈના મોબાઇલ પર બેંકના મેસેજ આવવાનું બંધ થઈ ગયું. શંકા આવતા તેમણે પોતાના દીકરાને બતાવ્યું અને તપાસ કરતાં જાણ થઈ કે ખાતામાંથી ₹93,000 ઉપાડી લેવાયા છે. ત્યારબાદ હસમુખભાઈએ તાત્કાલિક વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
હાલમાં પોલીસે ફરિયાદના આધારે અજાણ્યા શખ્સની શોધખોળ શરૂ કરી છે અને નજીકના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ આગળ ધપાવી રહી છે.
