ગુજરાતના કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની રાજદ્રોહ કેસની ધરપકડ થયા બાદ હવે પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધીની પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં કોંગ્રેસ મહાસચિવે ભાજપ સરકાર પર મોટો આરોપ મૂકતા જણાવ્યું કે, “યુવાનોના રોજગાર અને ખેડૂતોના હક્કની લડાઈ લડનારા હાર્દિક પટેલને ભાજપની સરકાર વારંવાર પરેશાન કરી રહી છે.”
પ્રિયંકા ગાંધીએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, “હાર્દિક પટેલે પોતાના સમાજના લોકોનો અવાજ ઉઠાવ્યો છે. તેમના માટે નોકરી માંગી, શિષ્યવૃતિ માંગી. ખેડૂતો માટે આંદોલન કર્યું. જેને ભાજપ દેશદ્રોહ ગણાવી રહી છે.”
જણાવી દઈએ કે, 2015ના રાજદ્રોહના કેસની સુનાવણી દરમિયાન હાજર ન થતાં કોર્ટે બિનજામીન પત્ર વોરંટ ઈશ્યૂ કર્યું હતું. આ વૉરન્ટ ઈસ્યૂ થયાના 6 કલાકની અંદર જ વિરમગામની હાંસલપુર ચોકડી પાસેથી હાર્દિક પટેલની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ હાર્દિક પટેલને કોર્ટમાં રજૂ કરતા તેને 24 જાન્યુઆરી સુધી જ્યૂડિશિયલ કસ્ટડીમાં ધકેલી દેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, 25 ઓગસ્ટ 2015ના રોજ અમદાવાદના GMDC ગ્રાઉન્ટમાં પાટિદાર અનામતના સમર્થનમાં એક જંગી રેલી યોજાઈ હતી. જે બાદ રાજ્યના અનેક શહેરોમાં હિંસક તોફાનો અને સરકારી સંપત્તિઓની તોડફોડ કરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાંચે એજ વર્ષે ઓક્ટોબરમાં હાર્દિક પટેલા સહિત અન્ય લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. પોલીસે પોતાની ચાર્જશીટમાં હાર્દિક પટેલ અને તેના સહયોગીઓ પર રાજ્યમાં હિંસા ફેલાવવા રાષ્ટ્રદ્રોહનો ગુનો દાખલ કર્યો હતો.