દેશના અર્થતંત્રને મંદીમાંથી બહાર લાવવું એ સરકાર માટે મોટો પડકાર છે. વિપક્ષ સતત આ મુદ્દે સરકારને ઘેરી રહ્યો છે. આવા સમયે હવે ભાજપમાંથી જ વિરોધનો અવાજ ઊઠવા લાગ્યો છે. ભાજપના રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ દેશની વર્તમાન સ્થિતિ પર કટાક્ષ કરતા કહ્યું કે આ રીતે અર્થતંત્ર બરબાદ કરવા માટે પણ મગજ જોઈએ.
સુબ્રમણ્યમ સ્વામીએ તેમના ટ્વીટર હેન્ડલ પર વ્યંગ કરતા લખ્યું, સામાન્ય રીતે રિસેશન એટલે કે મંદી, મોંઘવારી સાથે નથી આવતા. સામાન્ય રીતે માગમાં ઘટાડો આવતાં વસ્તુઓના ભાવ વધતા નથી, પરંતુ હવે ભારતના અર્થતંત્રમાં રહેલી ખામીઓ જોવા મળી રહી છે. આ વાત હું મજાકમાં કહી રહ્યો છું, પરંતુ આ પ્રકારે નિષ્ફળ થવામાં પણ મગજ વાપરવું પડે છે.
સુબ્રમણ્યમ સ્વામીએ એક દિવસ પહેલા જ ડોલરની સરખામણીમાં ઘટતા રૂપિયા પર અજીબ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે ભારતીય કરન્સીની સ્થિતિ સુધારવા માટે નોટમાં ધનની દેવી લક્ષ્મીની તસવીર પ્રકાશિત કરવામાં આવે. ઈન્ડોનેશિયાની કરન્સી પર ભગવાન ગણેશની તસવીર પ્રકાશિત થયાના સવાલ પર સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું,
આ સવાલ પર વડાપ્રધાન મોદી જવાબ આપી શકે છે. જોકે, જ્યાં સુધી મારી વાત છે તો હું તેની તરફેણ કરૂં છું. ભગવાન ગણેશ અવરોધો દૂર કરે છે. મારૂં તો એમ કહેવું છે કે ધનની દેવી લક્ષ્મીની તસવીર બેંક નોટ પર પ્રકાશિત થવાથી ભારતીય કરન્સીની સ્થિતિમાં સુધારો થઈ શકે છે. તેના પર કોઈએ ખરાબ માનવાની જરૂર નથી.