સુરતની સ્મીમેર હોસ્પિટલમાં 6 ડોક્ટરોએ જ 2 ડોક્ટરોનું રેગિંગ કર્યું, જાણો આખો મામલો

સુરતની સ્મીમેર મેડીકલ કોલેજમાં વિદ્યાર્થી સાથે રેંગિંગ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. ડોક્ટર વિરુદ્વ રેગિંગની ફરીયાદ કરવામાં આવી છે. 6 ડોક્ટરો દ્વારા ઓર્થોપેડિકના 2 ડોક્ટરો સાથે રેગિંગ કરવામાં આવતા સ્મીમેર પર કલંક લાગ્યું છે. આ મામલા અંગે એન્ટી રેગીંગ કમિટીને તપાસ સોંપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

રેગિંગ અંગે જાણવા મળ્યા મુજબ ડોક્ટરો દ્વારા ડોક્ટરોનું રેગિંગ કરવામાં આવતા સમગ્ર મેડિકલ કોલેજમાં ભારે ઊહાપોહ મચી ગયો છે. ઓર્થોપેડિકના ડોક્ટરોને જાત-જાતની બાબતોથી હેરાન કરવામાં આવતા હતા. તેમને હોસ્પિટલમાં લટારો મરાવવામાં આવતી અને વણજોઈતા કામ સોંપી હેરાન કરવામાં આવતા હતા.

આ ઉપરાંત 6 ડોક્ટરો દ્વારા ઓર્થોપેડિકના ડોક્ટરોની માનસિક અને અન્ય રીતે હેરાનગતિ પણ કરવામાં આવતી હતી. આ અંગે ડીનને ફરીયાદ કરવામાં આવી હતી. ડીન સુધી પહોંચેલી ફરીયાદ બાદ પણ ડોક્ટરોએ પોતાના કારસ્તાનો બંઘ કર્યા ન હતા અને હેરાનગતિ વધી ગઈ હતી.

ભોગ બનેલા ડોક્ટરોની ફરીયાદના આધારે ડીને મામલાને એન્ટી રેગિંગ કમિટીને સોંપી દેવાનો નિર્ણય કર્યો છે. એન્ટી રેગિંગ કમિટીના રિપોર્ટ બાદ પોલીસ ફરીયાદ સહિત આગળની કાર્યવાહી કરવામાં આવશે એવું જાણવા મળી રહ્યું છે.

Share
WP Twitter Auto Publish Powered By : XYZScripts.com