ભાવાંતર યોજનાને લાગુ કરવાની માંગ સાથે રાજકોટ માર્કેટ યાર્ડ સજ્જડ બંધ, સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ પડઘા

ભાવાંતર યોજનાને અમલી બનાવવાની માંગ સાથે આજે  રાજકોટ માર્કેટે સજ્જડ બંધ પાળ્યો હતો. રાજકોટ યાર્ડ કમિશન એજન્ટ્સ એસોસિએશન અને સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એસોસિએશન દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી કરવાના બદલે અન્ય રાજ્યોમાં અમલી છે તેવી ‘ભાવાંતર યોજના’ અમલી બનાવવાની માગ સાથે આજે માર્કેટ યાર્ડ બંધનું એલાન આપવામાં આવ્યું હતું જેના પગલે રાજકોટ માર્કેટ યાર્ડ આજે સજ્જડ બંધ રહ્યું હતું અને હરાજી સહિતના કામકાજ ઠપ્પ રહ્યા હતા અને કરોડો રૂપિયાનું ટર્નઆેવર ઠપ્પ થઈ ગયું હતું. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છના 35 જેટલા માર્કેટ યાર્ડોમાં બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. અમુક યાર્ડોમાં રાબેતા મુજબ હરાજી સહિતના કામકાજ ચાલુ રહ્યા હતા તો અમુકમાં સવારથી જ હરાજી સહિતના કામકાજ બંધ રહ્યા હતા. માર્કેટનું તમામ કામકાજ ઠપ્પ થઈ ગયું છે.

રાજકોટ એસોસિએશનના પ્રમુખ અતુલ કમાણીએ મીડિયાને જણાવ્યું હતું કે રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં આજે સવારથી જ હરાજી સહિતના કામકાજ બંધ રાખવામાં આવ્યા હતા અને યાર્ડના સત્તાધીશોને રજૂઆત કરી ભાવાંતર યોજના અમલી બનાવવા માગણી કરવામાં આવી હતી. ટેકાના ભાવે ખરીદી અને ભાવાંતર યોજનામાં ખરીદી વચ્ચે ખુબ તફાવત હોવાનું જણાવી તેમણે ઉમેર્યું હતું કે, ઉદાહરણ તરીકે મગફળીની ખરીદી રૂા.900ના ટેકાના ભાવથી કરવામાં આવે તેમાં ખેડૂતોએ પહેલાં રજિસ્ટ્રેશન કરાવવાનું રહે છે ત્યારબાદ તેમને જાણ કરવામાં આવે ત્યારે માલ લાવવાનો રહે છે અને મગફળીનું વેચાણ કર્યા બાદ અંદાજે એકાદ મહિને ચેકથી પેમેન્ટ મળે છે. જ્યારે અન્ય રાજ્યોમાં ભાવાંતર યોજના અમલી છે જેમાં ખેડૂતો દ્વારા ઉત્પાદન કરાયેલી કોઈપણ એક જણસ માટે સરકાર ભાવ નકકી કરે છે. દા.ત. મગફળી માટે રૂા.900નો ભાવ નકકી કરાય ત્યારબાદ ખેડૂત ખુલ્લા બજારમાં મતલબ કે માર્કેટ યાર્ડમાં રૂા.700ના ભાવે મગફળીનું વેચાણ કરે તો પણ તેને ડિફરન્સની રકમના રૂા.200 સરકાર તરફથી ચૂકવી દેવામાં આવે છે. જો આ પ્રકારની ભાવાંતર યોજના લાગુ કરાય તો જ ખેડૂતોને ખરા અર્થમાં મળવાપાત્ર રકમ મળશે.

બંધના એલાનમાં સૌરાષ્ટ્ર-કચ્છના 12 જિલ્લાઆેમાં રાજકોટ, મોરબી, ગીર-સોમનાથ, જામનગર, દ્વારકા, ભાવનગર, બોટાદ, પોરબંદર, સુરેન્દ્રનગર અને ભુજ જિલ્લાના માર્કેટ યાર્ડોમાં કેટલાક માર્કેટ યાર્ડ  જોડાયા હતા અને બંધ રહ્યા હતા તો કેટલાક માર્કેટ યાર્ડ રાબેતા મુજબ ચાલુ રહ્યા હતા. બંધના એલાનના મિશ્ર પ્રતિસાદ મળવાનું મુખ્ય કારણ એ પણ છે કે, હાલ દિવાળીના સમય પૂર્વે ખેડૂતોને રોકડ નાણાંની જરૂરિયાત રહેતી હોય તેઆે માલનું વેચાણ કરવા માટે માર્કેટ યાર્ડ સુધી આવી જતાં હોય છે. માર્કેટ યાર્ડ બંધ રહેતા કરોડો રૂપિયાના ખરીદ વેચાણને મોટો ફટકો પડ્યો છે.

Share
WP Twitter Auto Publish Powered By : XYZScripts.com