રાજકોટઃ એક જ દિવસે બે યુવકોને હાર્ટ એટેક આવ્યો, એક ક્રિકેટ રમતા અને બીજાને ફૂટબોલ રમતા!

0
95

રાજકોટમાં રમતા રમતા બે યુવકોના હૃદયરોગના હુમલાથી મોત થયા હતા. શહેરના રેસકોર્સ મેદાનમાં ક્રિકેટ રમીને પરત ફરતી વખતે યુવકને હાર્ટ એટેક આવ્યો હતો. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. શહેરની મારવાડી કોલેજમાં ગત સાંજે ફૂટબોલ રમતી વખતે એક વિદ્યાર્થીનું પણ હૃદયરોગના હુમલાથી મોત થયું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર રવિ વેગડા નામનો યુવક રવિવારે તેના મિત્રો સાથે રેસકોર્સ મેદાનમાં ક્રિકેટ રમવા ગયો હતો. બેટિંગ કરતી વખતે, તેને એક બોલ વાગ્યો અને શ્વાસ લેવામાં તકલીફ થઈ, આ છતાં તે રન માટે દોડ્યો, પરંતુ આઉટ થયો. આઉટ થયા પછી, તે તેની ટીમના સાથીઓ સાથે બેઠો પરંતુ છાતીમાં થોડો દુખાવો હોવાથી, રવિ તેની કાર પાસે ગયો અને બેસી ગયો. ત્યારે અચાનક તે કારમાંથી નીચે પડી ગયો અને બેહોશ થઈ ગયો. તેના મિત્રો તેને હોસ્પિટલ લઈ ગયા. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

ફૂટબોલ રમતી વખતે બેહોશ થઈ ગયો
જ્યારે અન્ય એક બનાવમાં રાજકોટની મારવાડી કોલેજમાં કોમ્પ્યુટર સાયન્સના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતો વિવેકકુમાર ભાસ્કર નામનો વિદ્યાર્થી ગતરોજ મારવાડી કોલેજ પરિસરમાં ફૂટબોલ રમી રહ્યો હતો. ત્યારબાદ તે અચાનક બેહોશ થઈ જતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ અહીં સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજ્યું હતું. ડોક્ટરોએ જણાવ્યું કે વિવેક કુમારનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હતું.