અંગદાન અને દેહદાનની ઉચ્ચત્તમ ભાવના અનેક જરૂરિયાતમંદ જિંદગીઓને નવજીવન બક્ષી રહી છે-: રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ 

સુરત:સામાન્ય રીતે વ્યક્તિ જ્યારે કોઇ ઉપલબ્ધિ પ્રાપ્ત કરે છે ત્યારે તેનું અભિવાદન, સત્કાર કરવાની આપણી પરંપરા રહી છે, ત્યારે પોતાના સ્વજનનું સર્વસ્વ ન્યૌછાવર કરનારા પરિજનોનું સન્માન કરવાનો કાર્યક્રમ, એ એક વિશિષ્ટ કાર્યક્રમ બની રહ્યો છે તેમ જણાવતા રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે, સૂરતની ડૉનેટ લાઇફ સંસ્થાને ફક્ત ગુજરાત જ નહીં, સમગ્ર દેશ તેમના આ માનવસેવાના કાર્યમાં તેમની સાથે છે તેમ વિશ્વાસ આપતા જણાવ્યું હતું.

અંગદાન કરનાર વ્યક્તિના પરિવારજનો, જેમના જીવનમાં નવજીવન લાવવાનું માધ્યમ બન્યા છે તેમને સત્કારવાના કાર્યક્રમમાં ચિંતનિય મંતવ્ય વ્યક્ત કરતા રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે સૂરતના સરસાણા ખાતેના એક્ઝિબિશન હોલમાં, આવા પરિવારજનોને મળી તેમની માનવતાની ઉત્કૃષ્ટ ભાવનાને બિરદાવી હતી. અંગદાન કરનારા પરિજનોની મનોઃસ્થિતિનો ચિતાર રજુ કરતા શ્રી કોવિંદે, આવી વ્યક્તિઓ કોઇ અજાણી વ્યક્તિ માટે જીવનદાતા બની રહે છે તેમ જણાવ્યું હતું.
ઓર્ગન હાર્વેસ્ટિંગથી લઇને તેના ટ્રાન્સપ્લાન્ટ સુધીની સમગ્ર પ્રક્રિયા ટાઇમ મેનેજમેન્ટ અને કુશળતાનો સુભગ સમન્વય બની, જરૂરિયાતમંદો માટે ખૂબ જ આશીર્વાદરૂપ બની રહે છે તેમ જણાવતા રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે દેશમાં અંગદાન અને દેહદાન માટે જાગૃતિ વધે તે માટે પ્રયાસરત ડોનેટ લાઇફ સંસ્થાના પ્રયાસોની સરાહના કરી હતી. શાળા/કૉલેજો સહિત છેક છેવાડાના સ્તર સુધી આ બાબતે વ્યાપક જનજાગૃતિ કેળવાય તે આવશ્યક હોવાનું જણાવી રાષ્ટ્રપતિશ્રીએ અલ્હાબાદ અને લખનૌ જેવા શહેરોમાં શરૂ થયેલી અંગદાન/દેહદાનની પ્રવૃત્તિનો પણ આ વેળા ખ્યાલ આપ્યો હતો.
ડોનેટ લાઇફ સંસ્થાના સંચાલક સહિત આ આખા માનવતાના કાર્યમાં સંકળાયેલા પ્રત્યેક જણના પ્રયાસોની સરાહના કરતા રાજ્યપાલશ્રીએ પરમાર્થના આ કાર્યમાં પ્રવૃત્ત સૌ સંવેદનશીલ વ્યક્તિઓની સેવાપ્રવૃત્તિને બિરદાવી હતી. ગુજરાતની સંવેદના, કરૂણા, માનવતા અને સેવાભાવનાની પ્રવૃત્તિનો ઉલ્લેખ કરી, રાજ્યપાલશ્રીએ અંગદાન ક્ષેત્રની આ ઉત્કૃષ્ટ કામગીરી, ગુજરાતને નવી ગરિમા બક્ષી રહી છે તેમ જણાવ્યું હતું.
અંગદાન કરનારા પરિવારોના બાળકોના શિક્ષણની જવાબદારી પણ આ સંસ્થા લઇ રહી છે જે ખૂબ જ માનવિય અભિગમ છે તેમ જણાવતા રાજ્યપાલ શ્રી ઓ.પી.કોહલીએ લોકકલ્યાણ માટે પોતાનું સર્વસ્વ ન્યૌછાવર કરવાની ઉત્કૃષ્ટ પરંપરા આ દેશની ધરોહર છે તેમ જણાવ્યું હતું. દધિચી ઋષિ અને શ્રી ગણેશજીનો ઉલ્લેખ કરી તેમણે સૂરત શહેર અંગદાન ક્ષેત્રે ગુજરાતમાં નંબર-૧ છે તેમ જણાવી, માનવીય સંવેદનશીલતા પ્રજ્વલિત કરનારા અંગદાતા પરિવારોનો આભાર વ્યક્ત કર્યો હતો.
ગુજરાતના પ્રજાજનો વતી રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદનું હૃદયપૂર્વક સ્વાગત, આવકાર કરીને મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અંગદાનની આ પ્રવૃત્તિને સતત વેગ મળતો રહે, અને સૌ કોઇ તેમાંથી પ્રેરણા મેળવતા રહે તેવા સંસ્થાના પ્રયાસોની સરાહના કરી હતી.
બ્રેનડેડ વ્યક્તિના અંગદાનના કઠિન કાર્યમાં દ્રઢ નિર્ણય અને ઇચ્છાશક્તિ સાથે તેમના પરિવારજનો, અન્યોની જિંદગીને નવજીવન બક્ષવાના ઉમદા કાર્યમાં તેમની આહુતિ અર્પી રહ્યા છે તેમ જણાવી શ્રી વિજયભાઇ રૂપાણીએ ડોનેટ લાઇફ સંસ્થાની નાજુક ક્ષણમાં અંગદાન માટે પરિવારજનોને પ્રેરિત-પ્રોત્સાહિત કરવાની ભાવનાને બિરદાવી હતી.
અંગદાન ક્ષેત્રે ગુજરાત દેશને દિશાનિર્દેશ કરી રહ્યા છે તેમ જણાવી મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ સૂરતનાં આ કાર્યએ ગુજરાતને ગૌરવાન્તિત કર્યું છે તેમ જણાવ્યું હતું.
ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટે આવશ્યક ગ્રીન કોરિડોર, સ્પેશ્યલ સિક્યુરિટી, આદર્શ ટ્રાફિક નિયમન, એર એમ્બ્યુલન્સ જેવી સુવિધાઓ માટે ગુજરાત સરકાર હંમેશા પ્રતિબદ્ધ છે તેમ જણાવી મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટેના ખર્ચાળ ઓપરેશનો માટે મુખ્યમંત્રી રાહતનિધિમાંથી પણ આર્થિક સહયોગ આપવામાં આવી રહ્યો છે તેમ જણાવ્યું હતું.
ગુજરાતની અગ્રગણ્ય ઇન્સ્ટિટ્યૂટ, હોસ્પિટલો દેશવિદેશમાં તેની શ્રેષ્ઠતા સાબિત કરી ચૂકી છે ત્યારે ગુજરાતમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ યુનિવર્સિટીની સ્થાપનાની દિશામાં પણ રાજ્ય સરકાર આગળ વધી રહી છે તેમ શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું.
માનવતાનો સેતુ રચનાર ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની કામગીરીની રૂપરેખા આપી, અંગદાન એ જ જીવનદાન છે તેમ જણાવતા સંસ્થાના સ્થાપક શ્રી નિલેશભાઇ માંડલેવાલાએ મહાનુભાવોનું શાલ્યાર્પણ કરી, પુષ્પગુચ્છ અને સ્મૃતિચિન્હ આપી સ્વાગત કર્યું હતું.
દરમિયાન રાષ્ટ્રપતિશ્રી કોવિંદ, મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, રાજ્યપાલ શ્રી ઓ.પી.કોહલી સહિતના મહાનુભાવોના હસ્તે અંગદાન અને દેહદાન અંગેના સંસ્થાકિય પુસ્તકનું પણ વિમોચન કરાયુ હતું.
સંસ્થા દ્વારા માનનિય રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદને અર્પણ કરાયેલા સ્મૃતિચિન્હ (શ્રીજીની પ્રતિમા)ને રાષ્ટ્રપતિશ્રીએ સંસ્થા ખાતે જ પ્રસ્થાપિત કરવાનો નમ્ર આગ્રહ સેવી, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની સંભવતઃ પ્રથમ ઘટના શ્રી ગણેશજીના મસ્તક સાથે સંકળાયેલી છે તેમ જણાવી, તે હંમેશા અંગદાન, દેહદાન માટે સૌ કોઇને પ્રેરણા આપતી રહેશે તેમ જણાવ્યું હતું.
ઉલ્લેખનિય છે કે, અમૂલ્ય માનવ જિંદગીને નવજીવન બક્ષતી સૂરતની ડોનેટ લાઇફ સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં ૨૪૯ કિડની, ૧૦૧ લીવર, ૬ પેન્ક્રિયાસ, ૧૭ હૃદય, અને ૨૧૨ ચક્ષુઓનું દાન મેળવી, ૫૮૨ વ્યક્તિઓને નવજીવન બક્ષ્યું છે. ખૂબ જ સંવેદના સાથે માનવતાને અપ્રતિમ ગરિમા બક્ષતી આ કામગીરી અનેક પરિવારો માટે આધાર, આશિર્વાદ અને સંતોષનું કારણ બની રહી છે.
બ્રેનડેડ વ્યક્તિઓના અંગોનું દાન મેળવીને, જરૂરિયાતમંદોને નવજીવન અર્પવાના આ યજ્ઞકાર્યમાં સહયોગી ૩૨ અંગદાતાઓના પરિજનો, સ્વજનોનું અહીં સન્માન કરાયુ હતું. સાથે સાથે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની જટિલ, સમયબદ્ધ અને કપરી કામગીરીને ખૂબ જ કૂનેહથી પાર પાડનારા તબીબો, હોસ્પિટલો, અને તેમના આ કાર્યમાં સીધો કે આડકતરો સહયોગ પુરો પાડનારી શહેર પોલિસ, ટ્રાફિક પોલિસ, એરપોર્ટ ઓથોરિટી વિગેરેનું પણ અહીં અભિવાદન કરાયુ હતું.
ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ, અમદાવાદમાં હાથ ધરાતી ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની કામગીરીના આંકડાઓ પૈકી ૪પ ટકા જેટલા ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનું શ્રેય પણ સૂરતની આ ડોનેટ લાઇફ સંસ્થાને ફાળે જાય છે.
સરસાણાના કન્વેન્શન એક્ઝિબિશન હોલ ખાતે આયોજિત ડોનેટ લાઇફના આ કાર્યક્રમમાં આરોગ્ય રાજ્યમંત્રી શ્રી કિશોરભાઇ કાનાણી(કુમાર), વિધાનસભાના દંડક શ્રી આર.સી.પટેલ, સૂરતના મેયર શ્રીમતી અસ્મિતા શિરોયા, સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોશ અને સી.આર.પાટીલ સહિતના મહાનુભાવો, ઉચ્ચાધિકારીઓ, મીડિયાકર્મીઓ, અંગદાન કરનાર વ્યક્તિના પરિવારજનો, સહયોગીઓ વિગેરેએ ઉપસ્થિત રહી, આ માનવીય કાર્યને અનોખી ગરિમા બક્ષી હતી.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com