પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના ભૂતપૂર્વ અધ્યક્ષ રમીઝ રાજાએ બીજી વનડેમાં ન્યૂઝીલેન્ડ સામેની કારમી હાર બાદ ભારતીય ક્રિકેટ ટીમની પ્રશંસા કરી છે. રાયપુરમાં રમાયેલી આ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને 8 વિકેટે હરાવ્યું હતું. ન્યૂઝીલેન્ડ 34.3 ઓવરમાં 108 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું અને ભારતે 2 વિકેટ ગુમાવીને 20.1 ઓવરમાં લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. ભારતે આ મેચ જીતીને ODI શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે.
તમને જણાવી દઈએ કે 2019 વર્લ્ડ કપ બાદ ટીમ ઈન્ડિયાએ ઘરઆંગણે 19માંથી 15 વનડે સીરીઝ જીતી છે. ન્યૂઝીલેન્ડ ઉપરાંત, ભારતે ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા જેવી ટીમો સામે ઘરઆંગણે વનડે શ્રેણી જીતી છે. રમીઝ ઘરઆંગણે શ્રેણી જીતવાની ભારતીય ટીમની શૈલીથી પ્રભાવિત છે. તેણે કહ્યું છે કે અન્ય ટીમોએ પણ આ મામલે ભારત પાસેથી શીખવું જોઈએ.
તેણે તેની યુટ્યુબ ચેનલ પર કહ્યું, “ભારતને ભારતમાં હરાવવું મુશ્કેલ છે. પાકિસ્તાન સહિત ઉપખંડની અન્ય ટીમો માટે પણ આ શીખવા જેવી બાબત છે. પાકિસ્તાન પાસે પૂરતી ક્ષમતા છે પરંતુ તેનું ઘરેલું પ્રદર્શન પરિણામ કે શ્રેણી જીતના સંદર્ભમાં ટીમ ઈન્ડિયા જેટલું સાતત્યપૂર્ણ રહ્યું નથી. વર્લ્ડ કપ વર્ષમાં ભારત માટે આ એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.આ વર્ષે ભારતમાં ODI વર્લ્ડ કપ યોજાવાનો છે. ભારતે સતત બે વનડે શ્રેણી (શ્રીલંકા-ન્યૂઝીલેન્ડ) જીતીને વર્ષની શરૂઆત કરી છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ પાકિસ્તાનને ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચની વનડે શ્રેણીમાં 1-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે જ કિવી ટીમ સામેની ટેસ્ટ શ્રેણી ડ્રો પર રહી ગઈ હતી. આ પહેલા પાકિસ્તાને ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં ઈંગ્લેન્ડના હાથે ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો હતો.