ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. જેમાં ક્યારેક કોઇક દિવસ ગુજરાત માટે ગોઝારો પણ સાબિત થતો હોય છે. ત્યારે આજે વધુ એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે.
સુરતના અલથાણ વિસ્તારમાં વિદ્યાર્થીઓથી ભરેલી સ્કૂલ વાનને પૂરપાટ ઝડપે આવી રહેલી બ્લેક રંગની કારે ટક્કર મારતા એકાએક સ્કૂલ વાન પલટી મારી ગઇ હતી. જેથી કારમાં સવાર એક બાળકીને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી છે જ્યારે અન્ય બાળકોને પણ નાની મોટી ઇજા પહોંચી છે. તમને જણાવી દઇએ કે, આ સ્કૂલવાનમાં 9 વિદ્યાર્થીઓ સવાર હતા. મહત્વનું છે કે, આ અકસ્માત સર્જાતાની સાથે જ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળાં એકત્ર થઇ ગયા હતા. તેમજ સ્થાનિક લોકો દ્વારા સ્કૂલ વાનને સીધી કરવાનો પ્રયાસ કરાયો અને વિદ્યાર્થીઓને પણ તાત્કાલિક ધોરણે બહાર કાઢવામાં આવ્યા.
આ સમગ્ર ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટ રીતે જોઇ શકાય છે કે, એક સ્કૂલવાન ધીરે-ધીરે આગળ વધી રહી છે ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલી કારે સ્કૂલવાનને ધડામ દઇને ટક્કર મારી દીધી. જેથી સ્કૂલ વાન પલટી મારી ગઇ. આથી સ્કૂલવાનમાં સવાર બાળકોને સામાન્ય ઇજા પહોંચી હતી. જ્યારે અન્ય એક બાળકીને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. જો કે, આ ઘટનાની વાલીઓને જાણ થતા વાલીઓ પણ તુરંત ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. એ સિવાય પોલીસને પણ આ મામલે જાણ કરાતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. હાલમાં આ ઘટનાના CCTVના આધારે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાશે.