શાદાબ ખાને એશિયા કપ ફાઇનલમાં હારની જવાબદારી લીધી, કહ્યુ- કેચ જ મેચ જીતાડે છે

0
100

પાકિસ્તાનના વાઇસ કેપ્ટન શાદાબ ખાને એશિયા કપ 2022ની ફાઇનલમાં શ્રીલંકા વિરૂદ્ધ હારની જવાબદારી લેતા દેશની માફી માંગી છે. શાદાબ ખાને ટ્વીટ કર્યુ, કેચ જ મેચ જીતાડે છે, હું આ હારની જવાબદારી લઉં છું, મે પોતાની ટીમને નિરાશ કર્યા છે.ઉલ્લેખનીય છે કે શ્રીલંકાએ રવિવારે રમાયેલી ફાઇનલમાં પાકિસ્તાનને 23 રને હરાવ્યુ હતુ. શાદાબ ખાને મેચની પ્રથમ ઇનિંગમાં ભાનુકા રાજપક્ષેના બે કેચ છોડ્યા હતા, જે 45 બોલમાં 71 રન બનાવીને શ્રીલંકાની જીતનો નાયક રહ્યો હતો.

પાકિસ્તાનને જોકે, આ ટૂર્નામેન્ટમાં નસીમ શાહના રૂપમાં એક સારો ફાસ્ટ બોલર મળ્યો છે, જ્યારે હારિસ રઉફ અને મોહમ્મદ નવાઝે પણ ટીમ માટે મહત્વપૂર્ણ પ્રદર્શન કર્યુ છે.શાદાબ ખાને ટૂર્નામેન્ટના સકારાત્મક પક્ષો પર વાત કરતા કહ્યુ, નસીમ શાહ, હારિસ રઉફ, મોહમ્મદ નવાઝ અને પાકિસ્તાનના બોલરોએ સારૂ પ્રદર્શન કર્યુ. મોહમ્મદ રિઝવાને પણ સારી લડાઇ આપી. આખી ટીમે પોતાનો સર્વશ્રેષ્ઠ પ્રયાસ કર્યો. રાજપક્ષેની નિર્ણાયક ઇનિંગની મદદથી શ્રીલંકાએ પાકિસ્તાનને 20 ઓવરમાં 172 રનનો પડકાર આપ્યો હતો.

જવાબમાં બાબર આઝમની ટીમ 147 રન જ બનાવી શકી હતી. પાકિસ્તાન તરફથી મોહમ્મદ રિઝવાન 55 (49) રન જ્યારે ઇફ્તિખાર અહેમદે 32 (31) રન બનાવ્યા હતા.એશિયા કપ 2022માં શ્રીલંકા પાકિસ્તાનને 23 રને હરાવીને ચેમ્પિયન બની ગયુ છે. શ્રીલંકાએ છઠ્ઠી વખત એશિયા કપનો ખિતાબ જીત્યો છે. શ્રીલંકાએ આ પહેલા 1986,1997, 2004, 2008 અને 2014માં એશિયા કપનો ખિતાબ જીત્યો હતો.

પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને શ્રીલંકાને 6 વિકેટે 170 રનનો સ્કોર બનાવ્યો હતો. જવાબમાં પાકિસ્તાનની ટીમ નિર્ધારીત 20 ઓવરમાં 147 રન જ બનાવી શકી હતી. આ હાર સાથે જ પાકિસ્તાનનું ત્રીજી વખત એશિયા કપ જીતવાનું સ્વપ્ન તૂટી ગયુ હતુ. શ્રીલંકા માટે પ્રમોદ મદુશને 4 અને વાનિંદુ હસરંગાએ 3 વિકેટ ઝડપી હતી.