નવસારીની શમશાદ બાનુંએ ગુલાબની ખેતીથી સર્જ્યુ આત્મનિર્ભરતાનું નવું મૉડેલ
ભારતીય સમાજમાં ઘણીવાર એવી માન્યતા રહેલી છે કે ઘરકામ મહિલાઓનું અને કમાણી પુરુષોનું કાર્ય છે. પરંતુ અનેક પુરુષો બેરોજગારી અને નિરાશામાં ધકેલાતા હોય ત્યારે મહિલાઓની હિંમત અને મહેનત જ ઘર સંભાળવાનું મોટું સાધન બને છે. નવસારી તાલુકાના ખેરગામ ગામની શમશાદ બાનું એવી જ પ્રેરણાદાયી મહિલા છે, જેઓએ પરંપરાગત મર્યાદાઓને પાછળ મૂકી ગુલાબની ખેતી શરૂ કરી. એક એકર જમીન પર ફેલાયેલા 2,000 જેટલા ગુલાબના છોડમાંથી તે દરરોજ 5–6 કિલો ગુલાબ મેળવે છે અને તેને વેલ્યુ એડિશન કરીને ગુલકંદ બનાવે છે. આ જ ગુલકંદથી તેમની વાર્ષિક આવક લગભગ 5 લાખ સુધી પહોંચી છે, જે તેમના પરિવાર માટે આશીર્વાદ બની છે.

ગુલકંદથી લઈને ઔષધીય ઉત્પાદનો સુધીનો સફળ સફર
પતિના નિધન બાદ હિંમત ન ગુમાવનાર શમશાદ બાનુંએ માત્ર ગુલકંદ જ નહીં પરંતુ 51 જેટલી ઔષધીય વસ્તુઓ બનાવવાનું કામ પણ શરૂ કર્યું. રાજ્ય સરકાર અને કૃષિ યુનિવર્સિટીએ તેમના પ્રયત્નોની નોંધ લઈ તેમને પ્રોત્સાહન આપ્યું છે. 2017માં એક નાના ગુલાબના છોડથી શરૂ થયેલો તેમનો સફર હવે મોટા બગીચા અને અનેક ઓર્ગેનિક પ્રોડક્ટ સુધી વિસ્તર્યો છે. તેમની તૈયાર કરેલી ગુલકંદમાં સાકરનો ઉપયોગ ન હોવાને કારણે હેલ્થ કોન્શિયસ લોકોમાં તેની વધતી માંગ જોવા મળી રહી છે. સાથે તેઓએ એલોવેરા જેલ, પ્યોર ગુલાબજળ અને હર્બલ સાબુ જેવા વેલ્યુ એડેડ પ્રોડક્ટ પણ તૈયાર કરીને બજારમાં મોકલ્યાં છે.

સોશિયલ મીડિયાથી રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય બજારોમાં પ્રવેશ
શમશાદબાનુંનો પરિવાર આ ઓર્ગેનિક પ્રોડક્ટને દેશ-વિદેશમાં પહોંચાડવા હવે ટેક્નોલોજીનો સહારો લઈ રહ્યું છે. તેમના પુત્રો સોશિયલ મીડિયા પર બ્રાન્ડિંગ કરીને પ્રોડક્ટને ઓનલાઇન વેચાણ પ્લેટફોર્મ સુધી લઈ જવાની તૈયારી કરી રહ્યા છે. પરંપરાગત રીતે તૈયાર થતો તેમનો ગુલકંદ લાંબો સમય બગડે નહીં તેની ખાસિયતને કારણે દેશભરમાં તેનો ગ્રાહક આધાર વધી રહ્યો છે. જૈવિક પદ્ધતિથી ઉત્પાદિત આ તમામ વસ્તુઓનું ઉત્પાદન નવસારી કૃષિ યુનિવર્સિટીના માર્ગદર્શન હેઠળ થતું હોવાથી ગુણવત્તા પણ અદ્વિતીય બની છે. આજે શમશાદ બાનુંનો પરિવાર એક મોટા ઓર્ગેનિક ઉદ્યોગ તરફ આગળ વધી રહ્યો છે અને બીજા ઘણા પરિવારો માટે પ્રેરણાસ્ત્રોત બની રહ્યો છે.

