સ્ટાર ખેલાડીની તબિયત પર મોટો અપડેટ: શ્રેયસ અય્યર ‘સ્ટેબલ’
ભારતીય ટીમના સ્ટાર ખેલાડી શ્રેયસ અય્યર ઑસ્ટ્રેલિયા સામેની ત્રીજી વન-ડે મેચ દરમિયાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને ત્યારબાદ તેમને મેદાનમાંથી બહાર જવું પડ્યું હતું. પાછળથી આંતરિક રક્તસ્રાવ (Internal Hemorrhage) પણ જાણવા મળ્યો. આ પછી તેમને તાત્કાલિક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે ક્રિકેટ ચાહકો માટે એક મોટા ખુશખબર સામે આવ્યા છે. અય્યરને હવે હૉસ્પિટલમાંથી રજા મળી ગઈ છે.
BCCI એ આપ્યું મોટું અપડેટ
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ની પ્રેસ રિલીઝમાં જણાવવામાં આવ્યું છે કે શ્રેયસ અય્યરની ઇજાની ઓળખ કરીને તેમનું એક નાનું ઓપરેશન કરવામાં આવ્યું, જેના પછી રક્તસ્રાવ બંધ થઈ ગયો અને તેમની યોગ્ય તબીબી સારવાર કરવામાં આવી છે. હવે તેમની તબિયત સ્થિર છે અને તેઓ સારી રીતે સ્વસ્થ થઈ રહ્યા છે. BCCI તરફથી જણાવવામાં આવ્યું છે કે તેમને હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.

આગળની તપાસ માટે સિડનીમાં જ રહેશે અય્યર
BCCI એ સિડનીમાં ડૉક્ટર કૌરોશ હાઘીગી અને તેમની ટીમ તેમજ ભારતમાં ડૉક્ટર દિનશૉ પારદીવાલાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે, જેમણે શ્રેયસ અય્યરની સર્વશ્રેષ્ઠ સારવાર સુનિશ્ચિત કરી. અય્યર હજુ આગળની તપાસ માટે સિડનીમાં જ રહેશે. મુસાફરી કરવા માટે ફિટ થયા પછી તે ભારત પરત ફરશે.
એલેક્સ કેરીનો કેચ લેતી વખતે થઈ હતી ઈજા
ઑસ્ટ્રેલિયા સામેની ત્રીજી વન-ડે મેચમાં હર્ષિત રાણાની બોલિંગ પર ઑસ્ટ્રેલિયન બેટ્સમેન એલેક્સ કેરીએ મોટો સ્ટ્રોક માર્યો હતો. આ બોલને મુસ્તૈદીથી ફિલ્ડિંગ કરી રહેલા શ્રેયસ અય્યરે દોડીને પકડી લીધો, પરંતુ આ દરમિયાન તે પડી ગયા. તેમ છતાં તેમણે કેચ છોડ્યો નહીં. બાદમાં તેઓ દર્દથી કણસતા પણ દેખાયા હતા. ત્યારે તેઓ હિપ (કૂલ્હો) પકડીને ઊભા હતા. પછી તેઓ મેદાનમાંથી બહાર ચાલ્યા ગયા અને તેમની જગ્યાએ ફિલ્ડિંગ કરવા યશસ્વી જયસ્વાલ મેદાનમાં ઉતર્યા હતા. પાછળથી અય્યરની ઈજામાં આંતરિક રક્તસ્રાવ હોવાનું જાણવા મળ્યું અને તેમને તાત્કાલિક હૉસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા.
🚨 Medical update on Shreyas Iyer
The BCCI Medical Team, along with specialists in Sydney and India, are pleased with his recovery, and he has been discharged from the hospital today.
Details 🔽 | #TeamIndia https://t.co/g3Gg1C4IRw
— BCCI (@BCCI) November 1, 2025
શ્રેયસ અય્યરે ભારતીય ટીમ માટે વન-ડે ક્રિકેટમાં વર્ષ ૨૦૧૭માં ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી તેમણે ૭૩ વન-ડે મેચોમાં કુલ ૨૯૧૭ રન બનાવ્યા છે, જેમાં પાંચ સદી અને ૨૩ અર્ધશતક સામેલ છે. ઑસ્ટ્રેલિયાના પ્રવાસ પરની બીજી વન-ડે મેચમાં તેમણે અર્ધશતક ફટકાર્યું હતું અને ૬૧ રનની ઇનિંગ્સ રમી હતી.
