અમદાવાદ ટેસ્ટમાં ભારત માટે ખરાબ સમાચાર, શ્રેયસ અય્યર ઘાયલ!

0
57

અમદાવાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી બોર્ડર ગાવસ્કર ટેસ્ટ શ્રેણી વચ્ચે ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર આવી રહ્યા છે. મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યર પીઠના દુખાવાથી પીડાઈ રહ્યો છે જેના કારણે તે હજુ સુધી પ્રથમ દાવમાં બેટિંગ કરવા આવ્યો નથી. અય્યર મોટાભાગે પાંચમા નંબર પર બેટિંગ કરવા ઉતર્યો છે. પરંતુ અમદાવાદ ટેસ્ટમાં રવિન્દ્ર જાડેજા અને કેએસ ભરત તેની સામે મેદાનમાં ઉતર્યા હતા. બીસીસીઆઈએ માહિતી આપી હતી કે મેચના ત્રીજા દિવસે શ્રેયસ અય્યરે પીઠના નીચેના ભાગમાં દુખાવાની ફરિયાદ કરી હતી જેના પછી તેને સ્કેન માટે લઈ જવામાં આવ્યો હતો. બીસીસીઆઈની મેડિકલ ટીમ તેના પર નજર રાખી રહી છે.

બીસીસીઆઈએ તેના સત્તાવાર નિવેદનમાં કહ્યું, ‘શ્રેયસ અય્યરે ત્રીજા દિવસની રમત બાદ પીઠના નીચેના ભાગમાં દુખાવાની ફરિયાદ કરી હતી. તે સ્કેન માટે ગયો છે અને બીસીસીઆઈની મેડિકલ ટીમ તેના પર નજર રાખી રહી છે.

હાલમાં એ સ્પષ્ટ નથી થયું કે શ્રેયસ અય્યરની આ ઈજા કેટલી ગંભીર છે અને તે પ્રથમ દાવમાં બેટિંગ કરી શકશે કે નહીં. તમને જણાવી દઈએ કે, પીઠની આ ઈજાને કારણે તે સીરિઝની પહેલી મેચ રમી શક્યો નહોતો.

મેચની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાના 480 રનની સામે ભારતે સમાચાર લખાય છે ત્યાં સુધી પ્રથમ દાવમાં 4 વિકેટના નુકસાન પર 318 રન બનાવી લીધા છે. આ સમયે કેએસ ભરત વિરાટ કોહલી સાથે ક્રિઝ પર હાજર છે. ભારતને સેન્ચુરિયન શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા અને રવીન્દ્ર જાડેજાના રૂપમાં કેપ્ટન રોહિત શર્મા સહિત ચાર આંચકાઓનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયા પાસે હજુ પણ 150 રનની લીડ છે.

ઓસ્ટ્રેલિયાની ઈનિંગની વાત કરીએ તો, મુલાકાતી ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઓપનર ઉસ્માન ખ્વાજા અને ઓલરાઉન્ડર કેમરૂન ગ્રીનની સદીના આધારે ટીમ આટલા મોટા સ્કોર સુધી પહોંચવામાં સફળ રહી હતી. આ દરમિયાન અશ્વિને સૌથી વધુ 6 વિકેટ લીધી હતી. ચાર મેચોની આ ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઈન્ડિયા હાલમાં 2-1થી આગળ છે.