તો હવે ગુજરાતના સાધુ-સંતો પણ ચુંટણી લડશે?

0
64

ગુજરાત કેડરના પૂર્વ IPS ઓફિસર ડીજી વણજારા ગુજરાતના સાધુ સંતોને સાથે લઈને ચુંટણીમાં જંપલાવશે?

રાજ્યમાં દરેક વિધાનસભાની ચૂંટણી વખતે અલગ અલગ રાજનૈતિક પાર્ટીઓ રચાતી આવી છે, અને સૌ પોતાના મુદ્દાઓને લઈને ચુંટણી લડે છે, ત્યારે આ વખતે રાજ્યના પૂર્વ IPS ઓફિસર ડીજી વણજારા પોતાની નવી પાર્ટી બનાવીને ચુંટણી મેદાને ઉતરવાની જાહેરાત કરી દીધી છે.

ઇસરતજહાં એન્કાઉન્ટરના બનાવથી ખૂબ ચર્ચિત રહેલા ડીજી વણજારા અનેક વાદ-વિવાદમાં ઘેરાઈ ચૂક્યા છે, ત્યારે હવે તેઓ રાજકારણમાં જોડાશે તો ગુજરાતમાં અનેક રાજનૈતિક સમીકરણો ઉદ્ભવ પામે તો નવાઈ નહી હોય.

ઉલ્લેખનીય છે કે આશરે બે વર્ષે પહેલા ડીજી વણજારા દ્વારા રાજ્યના વિવિધ હિન્દુ સંપ્રદાયના સાધુ સંતોને સાથે રાખીને “ રાષ્ટ્ર વંદના મંચ “ અને ત્યારબાદ “ ગુરુ વંદના મંચ “ નામનું સંગઠન રચ્યું છે, જેની સાથે રાજ્યના તમામ જિલ્લાઓના લાખો નાના મોટા સાધુ-સંતો અને કાર્યકર્તાઓ જોડાયેલાં છે, આ સંગઠનમાં મુખ્ય ભૂમિકા રાજ્યના સાધુ સંતો નિભાવી રહ્યાં છે.

દેશમાં રાજસત્તાની સમાંતરમાં ધર્મસત્તા ચાલે તે પ્રકારની વ્યવસ્થાની તરફદારી કરતું આ સંગઠન મુખ્ય રીતે રાજ્યના તમામ સાધુ સંતોને આવરી લે છે, આવા સમયે ડીજી વણજારા દ્વારા રાજનૈતિક પાર્ટીની સ્થાપના થશે તો એટલું તો ખરું જ કે તેમના સંગઠનના સાધુ સંતોને તેઓ ચુંટણી મેદાને ઉતારે.

વર્ષોથી હિન્દુધર્મની વાતો કરતી ભારતીય જનતા પાર્ટી હિન્દુત્વના નામથી કાયમ મતો મેળવતી રહી છે, ત્યારે આ વખતે એક નવી પાર્ટી ભાજપ સામે જ હિન્દુત્વની વાતો કરીને જનતા સમક્ષ મત માગવા નીકળશે, આવા સંજોગોમાં બની શકે કે તેની સીધી અસર ભાજપના જ મતબેંક ઉપર પડે… ત્યારે જોવું રહેશે કે આગામી સમયમાં ડીજી વણજારા પોતાના સંગઠન દ્વારા ભાજપ સામે જ મંડાણ માંડીને કયા રાજકીય સમીકરણો બદલેે છે.