દક્ષિણ ગુજરાતમાં સાંબેલાધાર વરસાદઃ તમામ નદીઓ બની ગાંડીતુર

દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વાંસદામાં 10 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે વઘઈમાં 8 ઈંચ અને ગણદેવીમાં 6 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. વાંસદામાં 10 અને ગણદેવીમાં 6 ઈંચ વરસાદ ખાબકતા અંબિકા નદીમાં પૂરની સ્થિત સર્જાયી છે. જેથી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. જ્યારે ડાંગના વઘઈમાં 8 ઈંચ વરસાદ ખાબકતા જંગલની વનરાજી ખીલી ઉઠી છે. નવસારીની પૂર્ણા નદીમાં હાલની સપાટી 17 ફૂટ છે. જ્યારે તેની ભયજનક સપાટી 23 ફૂટની છે. તંત્ર દ્વારા એનડીઆરએફની ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. દક્ષિણ ગુજરાતને વરસાદે બાનમાં લીધું છે ત્યારે દક્ષિણ ગુજરાતની તમામ નદીઓ ગાંડીતુર બની છે. નવસારીની પૂર્ણાં નદી, ગણદેવીમાં અંબિકા અને વેનગણિયા નદી તેમજ બીલીમોરામાં કાવેરી નદી બંને કાંઠે વહી રહી છે.પૂર્ણાં નદી ની હાલ ની સપાટી 17 ફૂટ પર પહોંચી છે. સાંબેલાધાર વરસાદના પરિણામે વાંસદા તાલુકાના ધાકમાળથી કપડવંજ જતો રસ્તો, સીતાપુરથી મહુવાસ જતો રસ્તો, સીતાપુર ડેરી પાસે, વાંસદા ચંપાવાડીથી ધરમપુરને જોડતો રસ્તો, ખાંભલાથી વઘઈને જોડતો રસ્તો, કુરેલિયાથી ધરમપુરી જતો રસ્તો, ઉનાઇથી બારતાડને જોડતા સીતાપુરથી ખાંભલાને જોડતા રસ્તા પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર અવરોધાયો હતો. વાંસદા તાલુકાના ખાનપુર ગામે એક કુવો ધસી પડવાની માહિતી પ્રાપ્ત થઇ છે. વાડીચોંઢા ટેકરા પાસે વૃક્ષ પડવાને કારણે રસ્તો બંધ થયો હતો. વાંસદા નગરમાં પણ ધોધમાર વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા. જેમાં વાંસદા નગરના નાયકીવાડ વિસ્તારમાં, સાંઈ મંદિર સામે, ચંપાવાડી વિસ્તારમાં, તળાવ ફળિયામાં, નવી નગરીમાં પાણી ભરાવાને કારણે 30થી 40 ઘરોના 100 કરતા વધારે અસરગ્રસ્ત લોકોને વાંસદા ગ્રામપંચાયત દ્વારા વાંસદા ટાઉન હોલમાં સ્થળાંતર કરાવાયું હતું. અસરગ્રસ્તો માટે ભોજન તથા રાતવાસો કરવાની સગવડ કરવામાં આવી હોવા સાથે ગામમાં પાણી ભરાયેલા વિસ્તારના લોકોને સુવિધા પૂરી પાડવા માટે ગામના સરપંચ હિનાબેન પટેલ, ડે.સરપંચ ધર્મેન્દ્રસિંહ સોલંકી, તલાટી કમ મંત્રી વિપુલ પ્રજાપતિ તથા વાંસદા ગ્રા.પં. સભ્યોએ ખડેપગે સેવા આપી હતી.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com