રાનિલ વિક્રમસિંઘેએ કહ્યું, ‘હું આર્થિક પુનરુત્થાન માટેના અમારા પ્રયાસોમાં અમારા નજીકના પાડોશી દેશ ભારત દ્વારા આપવામાં આવતી સહાયનો વિશેષ ઉલ્લેખ કરવા માંગુ છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની ભારત સરકારે આપણને જીવનનો શ્વાસ આપ્યો છે. મારા અને મારા લોકો વતી હું વડાપ્રધાન મોદી, સરકાર અને ભારતના લોકોનો આભાર વ્યક્ત કરું છું.
21 જુલાઈએ શપથ લીધા બાદ બુધવારે રાષ્ટ્રપતિ વિક્રમસિંઘેની અધ્યક્ષતામાં શ્રીલંકાની સંસદનું પ્રથમ સત્ર બોલાવવામાં આવ્યું હતું. આ દરમિયાન, તેમના સંબોધનમાં, તેમણે દેશને આર્થિક સંકટનો સામનો કરવામાં મદદ કરવા માટે સર્વપક્ષીય સરકારની રચનાનો પુનરોચ્ચાર કર્યો.
વિક્રમસિંઘેએ કહ્યું કે વર્તમાન સંકટમાંથી બહાર નીકળવા માટે સંસદને વિભાજિત નહીં, એકજૂથ કરવી જોઈએ. “કેટલાક રાજકીય પક્ષોએ પહેલાથી જ સર્વપક્ષીય સરકારમાં જોડાવા માટે રસ દર્શાવ્યો છે. સર્વપક્ષીય સરકાર એવી સરકાર નથી કે જે એક પક્ષના એકમાત્ર અભિપ્રાય પર કાર્ય કરે. તે એક એવી સરકાર છે જે તમામ પક્ષોના મંતવ્યો એક સામાન્ય નીતિ માળખામાં સમાવિષ્ટ કરે છે અને નિર્ણયો લીધા પછી તેનો અમલ કરે છે.