પાલિતાણાના શ્રી નાથાભાઈ ચાવડાનો લોકોને તમાકુ અને અન્ય નશાકારક પદાર્થોથી દૂર કરવા વિવિધ આયુર્વેદિક ઉપચારોનો પ્રયોગ

0
58

રાજ્યના યુવાનો આધુનિકતા કે દેખાદેખીમાં તમાકુ, સિગારેટ, બીડી, છીકણી અને અન્ય નશાકારક પદાર્થોની ચૂંગાલમાં દિવસે-દિવસે ફસાતાં જાય છે. એક સમયે એવો આવે છે કે, તેમના માટે તેમાંથી બહાર નીકળવું મુશ્કેલ બની જાય છે તેવાં સમયે પાલિતાણાના શિક્ષક શ્રી નાથાભાઈ ચાવડા આવાં નશાકારક પદાર્થોના રવાડે ચડેલા નાગરિકોને તેનાથી મુક્ત કરવા માટેની ‘નિકોટીન મુક્ત ભારત’નું અભિયાન ચલાવી રહ્યાં છે. આપણાં દેશના તમામ રાજ્યોમાં વ્યસનનું પ્રમાણ ધીમે- ધીમે વધતું ચાલ્યું છે. તેવાં સમયે ગુજરાતમાં પણ યુવાનો આવાં વ્યસનની પાછળ ઘેલાં બન્યાં છે.

પાન-મસાલા, ગુટકા તેમના દૈનિક જીવનનો હિસ્સો બની ગયાં છે. આવાં વ્યસનોને રવાડે ચઢેલા ગુજરાતના નાગરિકોને નશાથી મુક્ત કરવા અને તેમને સ્વાસ્થ્યપ્રદ ખોરાક તરફ વાળવા માટે પાલીતાણાના શિક્ષકશ્રી નાથાભાઈ ચાવડા ઘણાં સમયથી પ્રયત્ન કરી રહ્યાં છે. આ માટે તેઓ વિવિધ પ્રદર્શનનો, જનજાગૃતિ કાર્યક્રમો બાળકોની રેલી, સેમિનારમાં ઉદબોધન જેવાં વિવિધ પ્રયત્નો દ્વારા ‘નિકોટિન મુક્ત ભારત’ થાય તે માટેનું પ્રદાન આપી રહ્યાં છે. આધુનિકતા દેખાડવા માટે અથવા દેખાદેખીમાં આજના યુવાનો અને યુવતીઓ આવાં વ્યસનોને રવાડે ચડે છે. જે સમાજ માટે તેમજ તેમના પરિવાર માટે ભવિષ્યમાં ઘાતક સાબિત થતું હોય છે. આવાં નશાને રવાડે ચડેલા યુવાનોને સદમાર્ગે વાળવા તે આજની જરૂરિયાત છે. તેમ સમજીને શ્રી ચાવડા આવાં યુવાનોને યોગ્ય રસ્તે વાળવા વિવિધ આયુર્વેદિક ઉકાળાઓ અને અન્ય ઉપાયોનો ઉપયોગ કરીને તેમને નશાથી મુક્ત કરવા માટે કાર્ય કરી રહ્યાં છે.

તમાકુ, સિગારેટ જેવાઊ વ્યસનોને કારણે આજે મોં ના કેન્સરમાં મોટા પ્રમાણમાં વધારો થયો છે. આ કેન્સરને લીધે તેનાં પરિવારને યાતના ભોગવવી પડે છે. તે ઉપરાંત આવો પરિવાર ખર્ચના મોટા ખાડામાં ઉતરી જાય છે. જેને લીધે તે પરિવાર આર્થિક રીતે તૂટી જાય છે.તેનો ભોગ પરિવારના અન્ય લોકો માનસિક, શારીરિક સાથે આર્થિક રીતે પણ બને છે. પુરુષો સાથે આપણે ત્યાં મહિલાઓમાં પણ ગુટખા અને છીકણી સૂંઘવાનું વ્યસન ખૂબ વધ્યું છે. આ વ્યસન પાછળ શારીરિક અને આર્થિક નુકશાન ખૂબ મોટાપાયે થાય છે. ઘરની આવકનો મોટોભાગ વ્યસન પાછળ ખર્ચાય છે. આર્થિક પાયમાલી વધતાં પોતાના સંતાનોને યોગ્ય શિક્ષણ મળી શકતું નથી અથવા તો બાળકોએ અધવચ્ચેથી શાળા છોડવી પડે છે.

જેને કારણે તેનાં શિક્ષણ સાથે સમાજને પણ મોટું નુકસાન થાય છે. આ ઉપરાંત યોગ્ય શિક્ષણના અભાવે તેમણે મજૂરી જેવાં વ્યવસાયો તરફ વળવું પડે છે. આ વ્યવસાયમાં સંકળાયેલા લોકો પણ મોટા પ્રમાણમાં વ્યસનોના આદિ હોય છે જેથી તે પણ તેની ચૂંગાલમાં ફસાય છે. નાની ઉમરમાં મૃત્યુ થતાં વિધવા બહેનોનું પ્રમાણ પણ વધે છે. આવાં કેટલાય ગેરફાયદા હોવા છતાં લોકો વ્યસન છોડતાં નથી. યુવાનોને વ્યસનમાંથી મુક્ત કરવા શ્રી ચાવડાએ વિવિધ ઉપાય અજમાવ્યા છે અને પુરી માનસિક તૈયારી સાથે તે કરવામાં આવે તો સો ટકા આવાં વ્યસનથી મુક્તિ મેળવી શકાય છે. તેમણે અપનાવેલા આયુર્વેદિક ઉપાયો નીચે મુજબ છે. *મદ્યપાન છોડવા માટે* મદ્યપાન છોડવાં માટે સવારે વહેલા જાગી બ્રશ કરી નાસ્તા પહેલા અડધો કલાક ૫૦ ગ્રામ ગૌમૂત્ર અર્ક તેમાં ૫૦ ગ્રામ પાણી સાથે પીવું.

આ ૯ દિવસ પ્રયોગ કરવાથી મદ્યપાનનું વ્યસન છૂટે છે. *તમામ પ્રકારની તમાકુ છોડવા માટે* તુલસીના પાનને સૂકવી અને તેનો ભૂકો કરી અને ભેગું કરી લો. સાથે મેરેઠીને ઉમેરો. બંનેની સરખી માત્રા લ્યો. આ બંનેનો ઉપયોગ જે લોકો તમાકુવાળા પાન-મસાલા ખાય છે તેની જગ્યાએ ઉપયોગ કરી શકે છે. તમામ પ્રકારના તમાકુનો આ વિકલ્પ છે. *ચીકણી છોડવા માટે* બહેનોને બજર એટલે છીકણી છોડવાં માટે હિમેજ પાવડર સાથે મરેઠી મિશ્ર કરવાની અને આ પાવડરને છીકણી જેમ ઉપયોગમાં લઇ અને વ્યસન છૂટે છે. વ્યસન છોડવું સહેલું છે. માત્ર થોડી માનસિક તૈયારીની જરૂર છે. *બીડી છોડવા માટે* તુલસી સાથે જેઠી મધનો ભૂક્કો અને વરિયાળીના મિશ્રણથી બીડી બનાવી પીવાથી ધીમે ધીમે તમાકુ વાળી બીડી પીવાનું વ્યસન દૂર થાય છે.

આમ, વિવિધ પ્રકારના ઘરઘથ્થું ઉપાય તમાકુ અને નિકોટીન મિશ્રિત વ્યસનોને અટકાવવા માટે રામબાણ ઈલાજ સાબિત થાય છે આ માટે જરૂર છે થોડીક તૈયારી માનસિક તૈયારીની અને થોડા ધૈર્યની…. શિક્ષક કભી સાધારણ નહી હોતા ની ઉક્તિને સાર્થક કરતા પાલીતાણાના આ શિક્ષક દ્વારા આ ઉપરાંત સ્વચ્છતા જેલના કેદીઓને શિક્ષણ વિવિધ પૂર્ણ શૈક્ષણિક આવિષ્કારો દ્વારા અનેક પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.