ઇન્સ્ટાગ્રામથી શરૂ થઈ પોર્ટર સુધી પહોચેલી કાચબા ચેઇનનો ખુલાસો
અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને વન વિભાગે સંયુક્ત કામગીરી કરીને કિંમતી સુરજ કાચબાની તસ્કરી ચલાવતું એક મોટું રેકેટ પકડ્યું છે. માર્ચ 2025 દરમિયાન વન વિભાગને ઇન્સ્ટાગ્રામ મારફતે માહિતી મળી હતી કે ‘પોર્ટર’ એપ દ્વારા સુરજ કાચબાનું ગેરકાયદેસર વેચાણ થઈ રહ્યું છે. માહિતી મળતાની સાથે જ એક ડમી ગ્રાહક તૈયાર કરીને ટ્રેપ ગોઠવાયો અને અંતે 10 સુરજ કાચબા સાથે ચાર તસ્કરોને ઝડપી લેવાયા. આ કામગીરી બાદ સુરજ કાચબા તસ્કરીનું મોટું જાળું ખુલ્લું પડી ગયું છે અને અનેક નવા નામો બહાર આવ્યા છે.
ઇન્સ્ટાગ્રામથી લઈ પોર્ટર સુધી: ચારેય તસ્કરોની ભૂમિકા ખુલ્લી પડી
વન વિભાગને તપાસ દરમિયાન ખબર પડી કે પકડાયેલા આરોપીઓમાં મુકેશ સોની નામનો શખ્સ સૌથી અગત્યની ભૂમિકા ભજવતો હતો. જયપુરનો રહેવાસી મુકેશ સોની ‘Ahmedabad Dog Lovers’ નામની ઇન્સ્ટાગ્રામ આઈડી દ્વારા સુરજ કાચબાનું વેચાણ જાહેર કરતો હતો. આઈડી પર જાહેરાત મૂક્યા બાદ મળતા ઓર્ડર રાજસ્થાનના અજમેર વિસ્તારમાં રહેતા શુભમ નોતવાની સુધી પહોંચાડતો હતો. શુભમ પછી આ કાચબા રાજસ્થાનના પાલી શહેરના યશપાલસિંહ રાજેન્દ્રસિંહ ચૌહાણને આપતો અને ત્યાંથી આખરે અમદાવાદના સંકેત સોનવણે સુધી પહોંચતા. સંકેત પોર્ટર એપ દ્વારા અંતિમ ગ્રાહકો સુધી આ કિંમતી કાચબાઓ પહોંચાડતો હતો.

રાજસ્થાનનું A to Z સ્ટોર મુખ્ય સપ્લાયર: 50 થી વધુ સુરજ કાચબાની તસ્કરીનો શંકાસ્પદ ખુલાસો
તપાસમાં બહાર આવ્યું છે કે આ સમગ્ર જાળ રાજસ્થાનના A to Z નામની દુકાનના સંચાલક મુજાહિદ દ્વારા ચલાવવામાં આવી રહ્યું હતું. પકડાયેલા ચારેય આરોપીઓએ જણાવ્યા મુજબ અત્યાર સુધી 50 થી વધુ સુરજ કાચબા વેચાઈ ચૂક્યા છે. પોલીસ અને વન વિભાગે આ કાચબાઓનું રેસ્ક્યુ શરૂ કરી દીધું છે અને મુજાહિદની શોધખોળ તેજ કરી છે. આરોપીઓ કાચબાનો સોદો કરતી વખતે દરેક વચ્ચે 10 થી 15 ટકા કમિશન વહેંચતા હતા અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા ગ્રાહકો સુધી પહોંચતા હતા. ચુકવણી UPI મારફતે લેવામાં આવતી હોવાથી પુરાવા એકત્ર કરવા પોલીસને સરળતા મળી છે.
સુરજ કાચબાની આંતરરાષ્ટ્રીય માંગ ઊંચી: એક કાચબાની કિંમત લાખો સુધી
Indian Star Tortoise તેના તારાકાર ડિઝાઇનવાળા શેલને કારણે આંતરરાષ્ટ્રીય વન્યજીવ બજારમાં ભારે માંગ ધરાવે છે. આ કારણસર તેને પાલતુ પ્રાણી તરીકે, કેટલીક ધાર્મિકવિધિઓમાં તથા દક્ષિણ પૂર્વ એશિયા દેશોમાં સ્મગલિંગ માટે વપરવામાં આવે છે. પોલીસે શંકા વ્યક્ત કરી છે કે આ કાચબાઓ કાયદેસર બ્રિડિંગ સેન્ટરથી નહીં, પરંતુ કોઈ તળાવ, રિઝર્વ વિસ્તાર અથવા જાહેર સ્થળ પરથી પકડવામાં આવતાં હોઈ શકે છે. આરોપીઓ ગ્રાહકો પાસેથી એક કાચબા માટે 50 હજારથી લઈને લાખો રૂપિયા સુધી વસૂલતા હતા એવો ખુલાસો પણ થયો છે.

યોજનાબદ્ધ ઓપરેશનથી આખું રેકેટ તૂટી પડ્યું
અમદાવાદ ગ્રામ્ય પોલીસની SOG અને વન વિભાગની પ્રતિબદ્ધ કામગીરીએ આ તસ્કરી ચેઇનને આખેઆખી ઉઘાડી નાખી છે. 10 સુરજ કાચબા સાથે ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને મુખ્ય સપ્લાયર મુજાહિદની શોધખોળ જોરશોરથી ચાલી રહી છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને કાચબા તસ્કરીની પદ્ધતિ તથા નેટવર્કને સંપૂર્ણપણે નાબૂદ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

