પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતનો લિંબાયત વિસ્તાર એટલે ગુનાખોરીનું હબ માનવામાં આવે છે, ત્યારે આ વિસ્તારની એક શાળા બહાર બનેલી ઘટનાથી ચકચાર મચી ગઈ છે. જે ઉંમરમાં સંસ્કારનું સિંચન થતુ હોય, અભ્યાસ કરવાનો હોય, તે ઉંમરે ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ધોરણ 12ના વિદ્યાર્થીને બહાર બોલાવી ચપ્પાથી હુમલો કરી દીધો છે.
ઘટનાની વિગતે વાત કરીએ તો, સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલી સાર્વજનિક હાઈસ્કુલમાંથી વિદ્યાર્થીઓ છૂટ્યા તે સમયે ધોરણ 10નો વિદ્યાર્થી પોતાની સાથે પાંચ-છ લોકોને સાથે લઈને આવ્યો, અને એક વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થી વિશે માહિતી પુછતા તેણે જવાબ ન આપતા વિદ્યાર્થી અને તેના સાગરીતોએ તેની પર ચપ્પાથી હુમલો કરી દીધો, જેમાં ધોરણ 12નો વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયો, આ વાતની શાળાના આચાર્યને જાણ કરાઈ કે બહાર કેટલાક વિદ્યાર્થીઓ ઝગડો કરી રહ્યા છે તો, તેઓ સ્કુલની બહાર દોડી આવ્યા પરંતુ ત્યાં સુધીમાં તો હુમલાખોરો હુમલો કરી ભાગી છુટ્યા હતા.
શાળાએ આ મામલે પોલીસને જાણ કરી ઘાયલ વિદ્યાર્થીને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડ્યો હતો, હાલમાં વિદ્યાર્થીની હાલત સુધાર પર છે. આ બાજુ પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી, અને ઝગડો કોણે અને કેમ કર્યો તે મુદ્દેો માહિતી મેળવી રહી છે. જોકે, સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, નજીવા પૈસાની લેતી મામલે વિદ્યાર્થીએ પોતાના સાગરીતો સાથે મળી આ હુમલો કર્યો છે.