સુરતઃ BSNLના 40 લાખથી વધુની કિંમતના કોપર કેબલની ચોરી

0
46

સુરતના રીંગરોડ મેઈન રોડ પર આવેલા ગોલ્ડન પ્લાઝાથી અજંતા શોપિંગ સેન્ટર સુધીના બીએસએનએલના ડક્ટમાંથી રૂ. 40 લાખથી વધુની કિંમતના 13 કોપર કેબલની ચોરી થતાં લાઇન બંધ કરી દેવામાં આવી હતી. BSNLના ફોલ્ટ સેન્ટરમાં વારાફરતી ખામીની ફરિયાદો મળતાં તપાસ કરવામાં આવી તો ચોરીનો મામલો સામે આવ્યો.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સુરતના રીંગરોડ ખાતે આવેલા BSNLના ફોલ્ટ સેન્ટરમાં ગત સોમવારે સવારે 1 વાગ્યાથી બેંક અને કેટલીક ખાનગી લાઈનો ડાઉન હોવાની ફરિયાદો મળી હતી. રોજની ફરિયાદો કરતાં કુલ ફરિયાદોની સંખ્યા વધુ હોવાથી ડિવિઝનલ ઈજનેર કુંતલ ઈનામદાર અને સ્ટાફે તપાસ કરતાં ગોલ્ડન પ્લાઝાથી અજંતા શોપિંગ સેન્ટર વચ્ચેના રોડ પર કંપનીના સિવિલ ડક્ટમાં સમસ્યા હોવાનું જણાઈ આવ્યું હતું. અંદર તપાસ કરતાં માત્ર કોપર કેબલ ગાયબ હતો. ડક્ટમાંથી રૂ. 40,04,220ની કિંમતના 13 કોપર કેબલની ચોરી અંગે કુંતલ ઇનામદારે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.