કિન્નરના 54ના લાખના રોકડા રૂપિયા, દાગીના અને પિસ્ટલ સગેવગે કરવાના ચક્કરમાં યુવાન સલવાયો

સુરત ક્રાઈમબ્રાન્ચ દ્વારા નાઈટ પેટ્રોલીંગ દરમિયાન ગોડાદરા વિસ્તારમાંથી યુવાનની ધરપકડ કરવામાં આવી છે. યુવાન પાસેથી દેશી બનાવટની પિસ્ટસ તથા સોના-ચાંદીના દાગીના તથા 23.65 લાખ રૂપિયાની રોકડ રકમ મળી આવી છે.

સુરત ક્રાઈમ બ્રાન્ચના એસીપી આર.આર.સરવૈયાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું કે છઠ્ઠી તારીખે સુરતમાં કોમ્બીંગ નાઈટ હતી. તે દરમિયાન ડીસીબીના પીએસઆઈ પનારા અને તેમની ટીમને બાતમી મળી હતી કે ઋતુરાજ ચૌહાણ નામનો શખ્સ ગોડાદરા વિસ્તારમાં પિસ્ટલ અને કેટલાક રૂપિયા લઈને ફરી રહ્યો છે. પોલીસે વોચ ગોઠવી ઋતુરાજ સિંહ(રહે, રામરાજ સોસાયટી, રાકેશ યાદવના મકાનમાં, ગોડાદરા-ડીંડોલી રોડ,સુરત)ને ઝડપી પાડ્યો હતો.

પોલીસે તેની પાસેથી દેશી બનાવટની પિસ્ટલ, 6 કાર્ટીંજ સહિત રોકડા રૂપિયા 23.65 લાખ અને સોના-ચાંદીની દાગીના મળી કુલ 54 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઋતુરાજની ધરપકડ કરી પોલીસે આગળની કાર્યવાહી કરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આ રૂપિયા, સોના-ચાંદીના દાગીના અને પિસ્ટલની માલિકી કિન્નર પાયલ કુંવરની છે. પાયલકુંવરે 2018માં અન્ય કિન્નરનું ખૂન કર્યું હતું. પાયલ કુંવરે કિન્નરો વચ્ચે એરિયા બાબતે થયેલા ઝઘડામાં પિન્કી બના નામના કિન્નરની હત્યા કરી હતી અને હાલ આ પાયલકુંવર સુરતની લાજપોર જેલમાં બંધ છે.

વિગતો મુજબ પાયલકુંવર જેલમાં હોવાથી તેના જામીન થઈ રહ્યા ન હોવાથી સાચવવા માટે આપેલા રોકડા, દાગીના અને પિસ્ટલ પોતાના ગામમાં મૂકી આવવાનું કામ ઋતુરાજ ચૌહાણને સોંપ્યું હતું.પાયલ કુંવરનું ગામ મધ્યપ્રદેશમાં આવેલું છે અને ઋતુરાજ ચૌહાણ મધ્યપ્રદેશ ભાગી જવાની પેરવીમાં હતો ત્યારે પોલીસના આબાદ ઝડપાઈ જવા પામ્યો છે.

પોલીસે ઋતુરાજ ઉપરાંત આ કેસમાં જેલમાં બંધ પાયલકુંવરને પણ આરોપી બનાવી છે. પીએસઆઈ સીએચ પનારા, હે.કો.પંકજ બાબુભાઈ તેમજ હે.કો. જશુભા, હે.કો. વિરસંગ, પો.કો.ભરતસિંહ તથા વિનોદ અખાભાઈએ કામગીરી બજાવી હતી.

Share
WP Twitter Auto Publish Powered By : XYZScripts.com