સુરત જોરશોરથી પ્રચાર : યોગી આદિત્યનાથનો રોડ શો, કાર્યકરોએ બુલડોઝર પર સવારી કરી સ્વાગત કર્યું

0
44

સુરતમાં રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. ભાજપ હિન્દુત્વના ચહેરા યોગી આદિત્યનાથને પાટીદારોના ગઢમાં લાવીને પ્રચાર કરી રહી છે. આજે સાંજે યોગી આદિત્યનાથનો રોડ શો સુરતના ઉમિયાધામથી શરૂ થયો હતો. જેમાં યોગી આદિત્યનાથ, વરાછા વિધાનસભાના ભાજપના ઉમેદવાર કુમાર કાનાણી, ઉત્તર વિધાનસભાના ભાજપના ઉમેદવાર કાંતિ બલાર સહિત ભાજપના વરિષ્ઠ નેતાઓ ખુલ્લી ટ્રકમાં સવાર હતા. આ રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ રોડ-શો ઉમિયાધામથી વરાછા, કાપોદ્રા, માનગઢ, સુરત ઉત્તર ઝોન થઈને પસાર થયો હતો. ભાજપના કાર્યકરો હીરાબાગ સર્કલ પર યોગી આદિત્યનાથને આવકારવા બુલડોઝર પર ઉભા જોવા મળ્યા હતા.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાને આડે હવે એક સપ્તાહ બાકી છે. ત્યારે દરેક રાજકીય પક્ષો દ્વારા પ્રચારનો તોપમારો ચાલુ રહ્યો છે. કોંગ્રેસના મૌન અભિયાન સામે આમ આદમી અને ભાજપ જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. આજે જ્યારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સુરત જિલ્લાના બારડોલીમાં મતદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે પાટીદાર ગઢ વરાછાને હિન્દુત્વના રંગે રંગવા યોગી આદિત્યનાથનો વિશાળ રોડ શો અને સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

સુરતની વરાછા બેઠક પર પણ ત્રણ પાટીદારો વચ્ચે ત્રિકોણીય જંગ છે. આ બેઠકના પરિણામનું મૂલ્યાંકન કરવું ખૂબ મુશ્કેલ બની રહ્યું છે. ભાજપે વર્તમાન ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે AAPએ નજીકના જાણીતા ચહેરા અલ્પેશ કથીરિયાને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે કોંગ્રેસે પાલિકાના વિપક્ષના પૂર્વ નેતા પ્રફુલ્લ ઉર્ફે પપ્પન તોગડિયાને મેદાનમાં ઉતાર્યા છે. જેના કારણે આ બેઠક પર રાજકીય જંગ ખૂબ જ રોમાંચક બની રહ્યો છે. અત્યાર સુધી, ભાજપે પ્રદેશના મતદારોને આકર્ષવા માટે મનસુખ માંડવિયા અને પરસોતમ રૂપાલા જેવા પાટીદાર સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે. હવે હિંદુ ઇમેજ ધરાવતા યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મેદાનમાં ઉતર્યા છે અને મતદારોને રીઝવવા માટે ભવ્ય રોડ શો કરી રહ્યા છે.