મોદી સરકારે સરકારી બેંકોના મર્જરનો પ્લાન હાલ પુરતો પડતો મૂક્યો

સરકારે PSU બેન્કોના મર્જરનો પ્લાન હાલ પૂરતો મોકૂફ રાખ્યો છે. નાણામંત્રાલયના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર સરકાર PSU બેન્કોના કોન્સોલિડેશન પહેલાં તેમની સ્થિતિમાં સ્થિરતા આવે તેવું ઇચ્છે છે. ઉપરાંત, તેમણે IDBI બેન્કના ખાનગીકરણ માટે આ યોગ્ય સમય નહીં હોવાનું જણાવ્યું હતું.

અધિકારીએ કહ્યું હતું કે, મોટા ભાગની બેન્કો સેક્ટરમાં સુધારાના એજન્ડા હેઠળ નવી માર્ગરેખાનું પાલન કરી રહી છે. તેમણે બેડ લોન અલગ તારવી છે અને તેની રિકવરીના પ્રયાસ ચાલુ છે. બેન્કોની બેલેન્સશીટ સ્વચ્છ થયા પછી PSU બેન્કો વધુ મજબૂત બનશે અને ત્યાર પછી અમે કોન્સોલિડેશન માટે વિચારીશું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સુધારાની હાલની પ્રક્રિયામાં યોગ્ય ચકાસણી પછી ધિરાણના પગલાં, ધિરાણની ઉપલબ્ધતામાં વધારો અને સારા વહીવટનો સમાવેશ થાય છે.

સરકારના હાલના ભાવે IDBI બેન્કના ખાનગીકરણની યોજના ધરાવતી નથી. નાણામંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું કે, બેન્ક RBIના પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન પ્લાન (PCA) હેઠળ છે. અમે મૂડીકરણ પ્રોગ્રામ હેઠળ બેન્કની નાણાકીય સ્થિતિ મજબૂત કરવા નોંધપાત્ર પ્રમાણમાં નાણાંની ફાળવણી કરી છે. ઉપરાંત, બેન્ક મૂડી એકત્ર કરવા નોન-કોર એસેટ્સના વેચાણની યોજના ધરાવે છે.

ઉલ્લેખનીય છે કે, IDBI બેન્કને ₹2.1 લાખ કરોડના રિકેપિટલાઇઝેશન પ્લાનનો સૌથી વધુ લાભ મળ્યો છે. સૂચિત યોજના હેઠળ બેન્કને મહત્તમ ₹10,610 કરોડ મળવાના છે. નાણામંત્રાલયના અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે, બેન્કો દ્વારા કેટલીક પ્રારંભિક રજૂઆત કરવામાં આવી હતી, પણ હજુ સુધી કોઈ નક્કર નિર્ણય લેવાયો નથી. ઉપરાંત, મર્જરની પ્રક્રિયાને ઝડપી બનાવવા વૈકલ્પિક મિકેનિઝમ પણ દર્શાવાઈ નથી.

કેબિનેટે ગયા વર્ષે PSU બેન્કોના મર્જર્સને સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી અને સમગ્ર પ્રક્રિયા પર નજર રાખવાની જવાબદારી પ્રધાનોના પસંદગીના જૂથને સોંપી હતી. જોકે, મર્જરના પ્રસ્તાવ રજૂ કરવાનો નિર્ણય બેન્કોના બોર્ડ પર છોડવામાં આવ્યો હતો. જોકે, તાજેતરમાં PNB કૌભાંડ સહિત બેન્કિંગ સેક્ટરના ઘટનાક્રમને કારણે સરકારે મર્જરનો નિર્ણય હાલ મોકૂફ રાખ્યો હોવાનું જણાય છે. જોકે, કેટલાક નિષ્ણાતોના જણાવ્યા અનુસાર સરકાર માટે કોન્સોલિડેશન પ્રક્રિયાને ઝડપી બનાવવાનો આ યોગ્ય સમય છે.

સેન્ટ્રલ બેન્કના ભૂતપૂર્વ સ્વતંત્ર ડિરેક્ટર એમ પી શોરાવાલાએ જણાવ્યું હતું કે, બેન્કો બેડ લોનની સમસ્યા બેન્કરપ્સી કોડની મદદથી ઉકેલી શકશે. સરકારે તેમને પરસ્પર મર્જરના યોગ્ય વિકલ્પો શોધવાની ફરજ પાડવી જોઇએ. હાલના તબક્કે દેના બેન્ક, સેન્ટ્રલ બેન્ક, બેન્ક ઓફ મહારાષ્ટ્ર, યુકો બેન્ક, IDBI બેન્ક, OBC, ઇન્ડિયન ઓવરસીસ બેન્ક, કોર્પોરેશન બેન્ક, બેન્ક ઓફ ઇન્ડિયા, અલ્હાબાદ બેન્ક અને યુનાઇટેડ બેન્ક RBIના પ્રોમ્પ કરેક્ટિવ એક્શન (PCA) પ્લાન હેઠળ છે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com