સરકારની લોકોને ‘ભેટ’, તાજમહેલ સહિતની આ ઈમારતોમાં ફ્રી એન્ટ્રી

0
47

કેન્દ્ર સરકારે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ નિમિત્તે સામાન્ય જનતાને ભેટ આપી છે. આજથી (5 ઓગસ્ટ)થી 15 ઓગસ્ટ સુધી દેશના તમામ રાષ્ટ્રીય સ્મારકોમાં લોકોને ફ્રી એન્ટ્રી મળશે. તમને જણાવી દઈએ કે આ સમયે દરેક લોકો ‘આઝાદી કા અમૃત મહોત્સવ’માં તરબોળ જોવા મળે છે. ચારેબાજુ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના કાર્યક્રમો જોઈ શકાય છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) એ દેશભરના સંરક્ષિત સ્મારકોમાં પ્રવાસીઓને મફત પ્રવેશ આપવાનો આદેશ જારી કર્યો છે.

માહિતી અનુસાર, ASIનો આ આદેશ 5 ઓગસ્ટથી લાગુ કરવામાં આવશે, જે 15 ઓગસ્ટ સુધી લાગુ રહેશે. ASIના મોન્યુમેન્ટ-2ના ડાયરેક્ટર ડૉ. એન.કે. પાઠકે જણાવ્યું કે 5 ઓગસ્ટથી તમામ સ્મારકો, મ્યુઝિયમ અને પુરાતત્વીય સ્થળો પર મુલાકાતીઓ માટે ફ્રી એન્ટ્રી હશે. આ તમામ સ્થળોએ પ્રવેશ ફી લેવામાં આવશે નહીં. આ અંગેની માહિતી તમામ પ્રાદેશિક નિર્દેશકોને આપવામાં આવી છે. દેશમાં 3,600 થી વધુ ASI-સંરક્ષિત સ્મારકો છે, જેમાંથી દરેક અપ્રતિમ સૌંદર્ય, ઇતિહાસ અને મહત્વ ધરાવે છે.

આ ઉપરાંત, સ્વતંત્રતા દિવસ પર ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની યાદમાં ભારતભરના 150 હેરિટેજ સ્થળો પર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ના એક અધિકારીએ આ માહિતી આપી.

અધિકારીએ જણાવ્યું હતું કે 150 કેન્દ્રીય સંરક્ષિત સ્મારકોને ત્રિરંગામાં પ્રકાશિત કરવામાં આવશે અને થોડા દિવસોમાં કામ શરૂ થવાની અપેક્ષા છે. ASIએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે દેશભરના 750 સ્મારકો પર સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે.