સાયન્સ સિટીમાં યોજાયેલા નેશનલ સાયન્સ કોન્કલેવમાં આજે ડિજિટલ હેલ્થ કેર, ખેડૂતોને આવકમાં વૃદ્ધિ માટે ટેકનોલોજી વિનીયોગ પર થશે ચર્ચા

0
49

બે દિવસીય ‘સેન્ટર સ્ટેટ સાયન્સ કોન્કલેવ’ પ્રથમવાર યોજાયો છે જેનું ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદઘાટન કરાયું હતું. ગુજરાતે હંમેશા નવા ઈનીશિયેટિવ લીધા છે જેનું અન્ય રાજ્યો અને દેશોમાં અનુકરણ થતું હોય છે. સાયન્સ સિટી એ વિશ્વનું સૌથી મોટું સાયન્સ સેન્ટર છે.

આ વિષયો પર કરવામાં આવશે ફોકસ
આ કોન્કલેવમાં આજે સાયન્સ એન્ડ ટેકનોલોજી ઇનોવેશન STI વિઝન ૨૦૪૭ સુસંગત વિચાર મંથન સત્રોનું આયોજન કરવામાં આવશે. દેશના રાજ્યોમાં STI માટે ભાવિ સમૃદ્ધિના માર્ગો તથા વિઝન, ડિજિટલ હેલ્થ કેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ખેડૂતોને આવકમાં વૃદ્ધિ માટે ટેકનોલોજી વિનીયોગ, પાણી, ઊર્જા, ડીપ ઓશન મિશન જેવા વિષયો પર આ કોન્કલેવમાં ચર્ચાઓ હાથ ધરાશે.

આ પ્રકારના કાર્યક્રમો આગામી દિવસોમાં અલગ અલગ રાજ્યોમાં યોજાશે
આ બે દિવસીય સંમેલનમાં ઘણા બધા સેશન્સ અને ચર્ચાઓ થશે જેમાં દેશના ખૂણે ખૂણે થી આવેલા વિજ્ઞાન નિષ્ણાતો અને પોલીસી મેકર્સ એકબીજા સાથે વિચારોનું આદાન પ્રદાન કરશે. રાજ્ય અને કેન્દ્ર સરકારના પ્રતિનિધિઓ અને વૈજ્ઞાનિકો તેમજ મંત્રીઓ વચ્ચે બે દિવસ સુધી વિવિધ રાજ્યોમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની જરૂરિયાતો અને કાર્યો અંગે મંત્રણા કરવામાં આવશે. આ પ્રકારના કાર્યક્રમો આગામી દિવસોમાં અલગ અલગ રાજ્યોમાં પણ ચાલુ કરવામાં આવશે.

આ સાયન્સ કોંકલેવામાં દેશના જાણીતા વિજ્ઞાનીઓ, વિજ્ઞાન-ટેકનોલોજી ક્ષેત્રના નિષ્ણાતો, યુવા વિજ્ઞાનીઓ પણ ઉત્સાહભેર આ કોન્ક્લેવમાં સહભાગી થયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ કોન્ક્લેવમાં વૈજ્ઞાનિક સ્ટાર્ટઅપ્સનું વિશાળ પ્રદર્શન પણ યોજવામાં આવ્યું છે.