અમદાવાદમાં ૩૬મી નેશનલ ગેમ્સના ભાગરૂપે આવતી કાલથી થશે આ કાર્યક્રમો, 5 હજાર ખેલાડીઓ લેશે

0
39

નેશનલ ગેમ્સના ભાગરૂપે અમદાવાદ જિલ્લામાં ૩૬મી નેશનલ ગેમ્સના ભાગરૂપે આવતી કાલથી તા. ૧૬ સપ્ટેમ્બર દરમિયાન અમદાવાદ જિલ્લામાં Celebrating Unity through Sports થીમ આધારિત તમામ કોલેજ, યુનિવર્સિટી અને શાળા કક્ષાએ ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરાયું છે. અમદાવાદ જિલ્લામાં ૫ હજારથી વધુ રમતવીરો સહભાગી થશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં પ્રથમવાર સપ્ટેમ્બર માસમાં ૩૬મી નેશનલ ગેમ્સ-૨૦૨૨ યોજાનાર છે.૨૯ સપ્ટેમ્બરથી શરુ થનાર ૩૬મી નેશનલ ગેમ્સમાં ૩૬ રાજ્યો અને કેંદ્ર શાસિત પ્રદેશોના રમતવીરો ૩૬ રમતોની સ્પર્ધામાં ભાગ લેનાર છે.

સામાન્ય રીતે ૩ થી ૪ વર્ષનો આયોજન સમય માંગી લેતી નેશનલ ગેમ્સ માટે ગુજરાતે માત્ર ત્રણ મહિનાથી ઓછા સમયમાં સફળ આયોજનના પગલે યજમાન પદ મેળવ્યું છે. રાજ્યના અમદાવાદ, સૂરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર અને ભાવનગરમાં આ નેશનલ ગેમ્સ યોજાનાર છે.

આગામી તા.૧૨ થી ૧૬ સપ્ટેમ્બર દરમિયાન યુવાનોવિદ્યાર્થીઓમાં રમતને વધુ પ્રોત્સાહન મળે તેમજ અન્ય નાગરિકો પણ તેમાં સહભાગી થાય તે હેતુથી નેશનલ ગેમ્સની થીમ Celebrating Unity through Sports આધારિત રાજ્યની તમામ કોલેજ, યુનિવર્સિટી અને શાળા કક્ષાએ ભવ્ય કાર્યક્રમો યોજાનાર છે.
અમદાવાદ જિલ્લામાં યોજાનાર કાર્યક્રમોં અંગેનીજાણકારી આપતા જિલ્લા કલેક્ટર શ્રી સંદીપ સાગલેએ જણાવ્યું હતું કે, જી.ટી.યુ ખાતે મુખ્ય મંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતીમાં ૧૨મી સપ્ટેમ્બરના રોજ કાર્યક્રમ યોજાશે.

આ કાર્યક્રમમાં મુખ્ય મંત્રી ઉપરાંત અન્ય મહાનુભાવો, ૧૧માં ખેલ મહાકુંભની વિજેતા એવી તાલુકા કક્ષાની ૩ શ્રેષ્ઠ શાળાઓ, જિલ્લા કક્ષાની ૩ શ્રેષ્ઠ શાળાઓ અને રાજ્ય કક્ષાની ૪ શ્રેષ્ઠ ટીમો ઉપરાંત ઈન્ટસ્નેશનલ સોફ્ટ ટેનીસ ખેલાડી શ્રી અનિકેત પટેલ ઉપસ્થિત રહેશે. સમગ્ર જિલ્લામાં આ અભિયાન અંતર્ગત ૫ હજારથી વધુ ખેલાડીઓ સહભાગી થશે..
અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી અનિલ ધામેલીયાએ જણાવ્યું હતું કે, આ અભિયાન અંતર્ગત જિલ્લામં કબડ્ડી, રસ્સા ખેંચ, બાસ્કેટ બોલ, યોગા, ટેબલ ટેનિસ જેવી રમતોનું નિદર્શન-સ્પર્ધા યોજાશે. આ ઉપરાંત જિલ્લાના ધોળકા, માંડલ અને દસક્રોઈ એમ ૩ તાલુકાની કોલેજ ખાતે કાર્યક્રમો યોજાશે. જ્યારે ૧૪મી સપ્ટેમ્બરે જિલ્લાની તમામ કોલેજો ખાતે અને ૧૫ અને ૧૬ સપ્ટેમ્બરે જિલ્લાની તમામ શાળાઓમાં કાર્યક્રમોનું આયોજન કરાશે.

આ કાર્યક્રમોમાં વિધ્યાર્થિઓ-વાલીઓ, રમતવીરો ઉપરાંત સ્થાનિક અગ્રણીઓ, રમત ગમત સાથે સંકળાયેલી વિવિધ ક્લબો-મંડળોના પ્રતિનિધીઓ, રમતવીરો અને લોકો મોટી સંખ્યામાં જોડાઈને જનભાગીદારી સાથે ઉજવશે.