મજૂરી વધારાની માંગ સાથે ધમકીઃ સુરતના સાયણ-પીપોદરામાં ભયનો માહોલ, DYSPએ આપી કાર્યવાહીની ખાતરી
સુરત જિલ્લાના સાયણ અને પીપોદરા વિસ્તારની વિવિંગ ઇન્ડસ્ટ્રીઝમાં છેલ્લા કેટલાક દિવસોથી અસામાજિક તત્વો દ્વારા દહેશત ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વિવિધ ખાતાઓમાં કામ કરતા કારીગરોને ધમકી આપી રહી છે કે જો તેઓ મજૂરીમાં વધારો નહીં કરે તો તેમને કામ પર ન આવવા દેવામાં આવશે અથવા જાનથી મારી નાખવામાં આવશે. આ ધમકી સાથે ગર્ભિત પોસ્ટર અને મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિસ્તારના ઉદ્યોગપતિઓ અને કારીગરોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે.

વિવર્સ અગ્રણીઓએ જણાવ્યું કે કેટલાક અજાણ્યા લોકો ઉદ્યોગોમાં જઇ કારીગરોને દબાણ કરી રહ્યા હતા કે તેઓ મજૂરી વધારાની માંગણીમાં ભાગ લે અને જો ન લે તો ગંભીર પરિણામો ભોગવવા પડશે. કેટલાક ખાતાઓમાં તો વિવર્સની ગેરહાજરી દરમિયાન મશીનો બંધ કરાવી દેવાના બનાવો પણ નોંધાયા છે. આ સમગ્ર ઘટનાક્રમથી ઉદ્યોગોના રોજિંદા કારોબારમાં વિક્ષેપ ઊભો થયો છે અને હજારો મજૂરોની રોજી-રોટી પર અસર પડી રહી છે.
સ્થાનિક વિવર્સ એસોસિએશન અને ઉદ્યોગપતિઓએ રાજ્યના ગૃહમંત્રીને લેખિતમાં રજુઆત કરી હતી, જેમાં સુરક્ષા વધારવાની અને અસામાજિક તત્વો વિરુદ્ધ કડક પગલા લેવાની માંગ કરી હતી. રજુઆત મળતા જ પોલીસ તંત્ર સતર્ક બન્યું અને સાયણ, પીપોદરા સહિતના વિસ્તારોમાં વધારાનો બંદોબસ્ત ગોઠવાયો. પોલીસ દ્વારા પેટ્રોલિંગમાં વધારો કરવામાં આવ્યો છે અને શંકાસ્પદ તત્વો પર નજર રાખવામાં આવી રહી છે.

સ્થાનિક DySP આર.આર. સરવૈયા દ્વારા પણ વિવિંગ ઉદ્યોગોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં ઉદ્યોગકારો અને કારીગરોના પ્રશ્નો સાંભળીને સરવૈયાએ ખાતરી આપી કે અસમાજિક તત્વો સામે કડક પગલાં લેવામાં આવશે. પોલીસે સોશિયલ મીડિયા પર ફરતા ધમકીભર્યા મેસેજ અને પોસ્ટરોની પણ તપાસ શરૂ કરી છે અને ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલા લોકોની શોધખોળ તેજ કરી છે.
પોલીસ તંત્રના સક્રિય બનવાથી હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે, છતાં ઉદ્યોગ ક્ષેત્રમાં હજી પણ ચિંતાનો માહોલ જોવા મળે છે. ઉદ્યોગકારોએ રાજ્ય સરકારને વિનંતી કરી છે કે આવી ઘટનાઓની પુનરાવૃત્તિ ન થાય તે માટે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. સુરતની આ ઘટના ફરી એકવાર ઉદ્યોગિક શાંતિ અને મજૂર-માલિક સંબંધોની નાજુક સ્થિતિને ઉઘાડે મૂકે છે.
