ડીઝીટલ ઇન્ડીયાનું સપનુ જોનારા રાજીવ ગાંધીની આજે પુણ્યતિથિ

રાજીવ ગાંધીનો 20 ઓગસ્ટ, 1944ના રોજ મુંબઇમાં જન્મ થયો હતો. ભારત આઝાદ થયું અને તેમના નાના દેશના પ્રધાનમંત્રી બન્યા ત્યારે તેઓ ત્રણ જ વર્ષના હતા. તેમના માતા પિતાએ લખનઉ છોડીને નવી દિલ્હીમાં વસવાટ કરવાનું શરૂ કર્યું હતું. તેમના પિતા ફિરોઝ ગાંધીએ સાંસદ બનીને એક નીડર અને પરિશ્રમી સાંસદ તરીકેની ખ્યાતિ મેળવી હતી.

રાજીવ ગાંધીએ પોતાનું બાળપણ પોતાના નાના સાથે ત્રિમૂર્તિ ભવનમાં પસાર કર્યું હતું. ઇન્દિરા ગાંઘી તે સમયે પ્રધાનમંત્રીના ઘરની સંભાળ લેતા હતા. આરંભે ટૂંક સમયમાં દહેરાદૂન ખાતેની વેલ્હામ પ્રેપ શાળામાં અભ્યાસ કર્યા બાદ તરત તેઓએ હિમાલયની તળેટીમાં આવેલી નિવાસી દૂન સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો હતો. તે સ્કૂલમાં જ તેમને પોતાના જીવનભરના અનેક મિત્રો મળ્યા હતા. આગળ જતાં નાનાભાઇ સંજય પણ એ જ શાળામાં જોડાયા હતા.

શાળા અભ્યાસ પૂરો કર્યા પછી તેઓ કેમ્બ્રિજની દ્રિતીય કોલેજમાં જોડાયા હતા પરંતુ ટૂંક સમયમાં જ તેમણે કોલેજ છોડીને લંડન ખાતેની ઇન્પિરિયલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો. તેમણે મિકેનીકલ અન્જિનીયરીંગ શાળામાં અભ્યાસ કર્યો હતો. એ વાત સ્પષ્ટ હતી કે તેમને રાજકારણને કારકિર્દી તરીકે અપનાવવામાં રસ નહોતો. તેમના વર્ગખંડના સાથી મિત્રોના જણાવ્યા મુજબ તેમની પુસ્તકની છાજલી દર્શનશાસ્ત્ર, રાજકારણ અને ઇતિહાસના પુસ્તકોથી નહીં પરંતુ વિજ્ઞાનના અને ઇજનેરશાસ્ત્રના પુસ્તકોથી લદાયેલી રહેતી હતી. સંગીતમાં રૂચિ લેવામાં પણ તેઓ ગૌરવ અનુભવતા હતા. તેઓને પશ્ચિમી, શાસ્ત્રીય અને આધુનિક સંગીત પણ ગમતું હતું. ફોટોગ્રાફી અને એમેચ્યોર રેડિયોમાં પણ તેમની રૂચિ રહી હતી.

આકાશમાં ઉડાન ભરવામાં તેમને ખાસ રૂચિ હતી. તેથી જ ઇંગ્લેન્ડથી સ્વદેશ પાછા ફરતા તેમણે દિલ્હી ફ્લાઇંગ ક્લબની પ્રવેશ કસોટી ઉત્તીર્ણ કરીને કોમર્શિયલ પાયલોટનું લાઇસન્સ મેળવ્યું હતું. તેમાં આશ્ચર્ય પામવા જેવું કાંઇ જ નહોતું. ટૂંકમાં જ તેઓ રાષ્ટ્રીય વિમાની સેવા ઇન્ડિયન એરલાઇન્સના પાયલોટ બન્યા હતા.

તેમના કેમ્બ્રિજના અભ્યાસકાળ દરમિયાન ઇટાલીના વતન સોનિયા માઇનો સાથે તેમની મુલાકાત થઇ હતી. સોનિયા અંગેજીનો અભ્યાસ કરી રહ્યા હતા. 1968માં નવી દિલ્હી ખાતે રાજીવ ગાંધી અને સોનિયા લગ્નગ્રંથિથી જોડાયા હતા. પોતાના સંતાનો રાહુલ અને પ્રિયંકા સાથે તેઓ નવી દિલ્હીમાં શ્રીમતી ઇન્દિરા ગાંધી સાથે જ રહેતા હતા. ચોમેર ચાલી રહેલી ભરચક રાજકિય પ્રવૃત્તિઓ વચ્ચે તેઓ પોતાની અંગત જિંદગી જીવી રહ્યા હતા.

પરંતુ 1980ના વિમાન અકસ્માતમાં તેમના ભાઇ સંજયના થયેલા અચાનક મૃત્યુએ તેમના જીવનમાં પલટો લાવ્યો હતો. માતા પરના સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય રાજકારણના બોજમાં તેમની મદદ કરવા માટે રાજીવ ગાંધી પર પણ રાજકારણ પ્રવેશનું દબાણ વધવા લાગ્યું. આરંભ તો રાજકારણમાં પ્રવેશ માટેના આ દબાણનો તેમણે સામનો કર્યો પરંતુ અંતે એ તર્કસંગત રાહ અપનાવવા ઝૂકી ગયા હતા. પોતાના ભાઇના મૃત્યુંને કારણે જ ખાલી પડેલી ઉત્તર પ્રદેશની અમેઠી બેઠક પર તેઓ પેટાચૂંટણી જીતી ગયા હતા.

યુવાન પ્રધાનમંત્રી બન્યા હતા. તેઓ કદાચ વિશ્વમાં એક સરકારના સૌથી નાની વયના ચૂંટાયેલા વડા બની રહ્યા હતા. તેમના માતા ઇન્દિરા ગાંધી 1966માં પ્રથમવાર પ્રધાનમંત્રી બન્યા ત્યારે 48 વર્ષના હતા. સ્વતંત્ર ભારતના પ્રથમ પ્રધાનમંત્રી તરીકે રાજીવના નાના પંડિત જવાહરલાલ નહેરુએ પ્રધાનમંત્રી પદની 17 વર્ષની કારકિર્દીનો પ્રારંભ કર્યો ત્યારે તેઓ 58 વર્ષના હતા.

દેશમાં પેઢીગત પરિવર્તન લાવનારા રાજીવ ગાંધીને દેશના ઇતિહાસમાં સૌથી જંગી બહુમતી પ્રાપ્ત થઇ હતી. હત્યાના ભોગ બનેલા તેમના માતા ઇન્દિરા ગાંધીના રાષ્ટ્રીય શોકની અવધી પૂરી થતાં જ સંસદના સીધા ચૂંટાયેલા સભ્યોથી રચાતા લોકસભા ગૃહ માટે સામાન્ય ચૂંટણીના આદેશ આપ્યા હતા. તે ચૂંટણીમાં કોંગ્રેસને ભૂતકાળની ચૂંટણીઓની તુલનામાં ઉંચા પ્રમાણમાં મત મળતાં લોકસભાની કુલ 508 પૈકી 401 બેઠકો પર કબજો કર્યો હતો.

70 કરોડ ભારતીયોના નેતા તરીકે તેમણે કરેલી પ્રભાવશાળી શરૂઆતને કોઇ પણ સંજોગોમાં નોંધપાત્ર જ કહી શકાય. રાજીવ ગાંધીની ખાસ વિશેષતા એ રહી છે કે તેઓ ચાર સદી સુધી ભારતની સેવા કરનારા એક રાજકારણી પરિવારમાંથી આવતા હોવા છતાં રાજકારણમાં પ્રવેશ કરવા નહોતા માગતા અને પ્રવેશ પણ મોડો જ કર્યો હતો. તેમના પરિવારનું સ્વાતંત્ર્ય સંગ્રામ અને તે પછી પણ દેશને મોટું પ્રદાન રહ્યું હતું.

નવેમ્બર 1982માં ભારતે એશિયન ગેમ્સનું યજમાનપદ સંભાળતા સ્ટેડિયમ અને અન્ય માળખાકિય સુવિધા ઉભી કરવા એક વર્ષ પહેલા આપેલું વચન પૂરું કરવાનું હતું. આ કામગીરી સમયસર પૂરી કરવા માટે અને રમતોત્સવ કોઇપણ અવરોધ કે ક્ષતિ વગર સંપન્ન થાય તે અંગેની જવાબદારી રાજીવ ગાંધીને સોંપવામાં આવી હતી. આ પડકારરૂપ કામ કરતી વખતે જ તેમણે કાર્યદક્ષતા અને સંગઠનની ક્ષમતાનો પરિચય આપ્યો હતો. એ જ પ્રમાણે કોંગ્રેસના મહામંત્રીપદ સંભાળતા તેમણે પક્ષના સંગઠનને ઉર્જાવાન બનાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. આ તમામ ગુણવત્તાઓ આગળ જતાં કસોટીની એરણ પર ચઢતી રહી.

31 ઓક્ટોબર, 1984ના રોજ તેમની માતાની થયેલી ક્રૂર હત્યાના કરુણ સંજોગોમાં પ્રધાનમંત્રી અને કોંગ્રેસના પ્રમુખ એમ બંને પદ સંભાળવા કોઇ પણ વ્યક્તિ માટે મુશ્કેલ બની રહે છે. છતાં તેમણે નોંધપાત્ર ગૌરવ અને નિયંત્રણ સાથે વ્યક્તિગત શોક અને રાષ્ટ્રીય જવાબદારીઓ એમ બંને ભારનું વહન કર્યું હતું.

મહિનાભર ચાલેલા ચૂંટણી પ્રચાર દરમિયાન રાજીવ ગાંધીએ દેશના એકખૂણેથી બીજાખૂણે ભ્રમણ કરતાં પૃથ્વીની પરિભ્રમણ કક્ષાના અંતરથી દોઢો પ્રવાસ ખેડ્યો હતો. આ દરમિયાન અનેક સ્થાને મળેલી 250 જેટલી બેઠકોમાં લાખ્ખો લોકોને સંબોધ્યા હતા. આધુનિક વિચારધારા અને નિર્ણાયક મિજાજ ધરાવતા રાજીવ ગાંધી વિશ્વની આધુનિક ટેક્નોલોજીથી પરિચીત હતા. તેમણે વારંવાર કહ્યું હતું કે દેશની એકતા અને અખંડિતતા કાયમ રાખવા ઉપરાંત એક હેતુ તે દેશને 21મી સદીમાં પ્રવેશ કરાવવાનો રહેશે.

૧૯૯૧માં ૨૧ મે ના રોજ તમિલનાડુના શ્રી પેરૂમ્‍બુદુર ખાતે સવારે ૧૦ કલાકે રાજીવ ગાંધીનું સભા સ્‍થળે આગમન સમયે એક યુવતી થેનમોઝીહી રાજા રત્‍નામએ પોતાના શરીર ઉપર ૭૦૦ ગ્રામ આર. ડી. એકસ બાંધી ચરણ સ્‍પર્શ કરી, માનવ બોમ્‍બ બની વિસ્‍ફોટ કરતા રાજીવ ગાંધી સાથે લગભગ ૨૫ થી વધુ નાગરીકોની જાનહાની થઈ હતી. વિશ્વમાં સંભવતઃ કોઈ મોટા રાજદ્વારીની માનવ બોંબથી હત્‍યાનો આ પ્રથમ બનાવ હતો.

તેમના મૃતદેહને ઓલ ઈન્‍ડિયા ઈન્‍સ્‍ટીટયુટ ઓફ મેડીકલ સાયન્‍સમાં લાવવામાં આવ્‍યો. ત્‍યારબાદ અંતિમ યાત્રા વખતે ૬૦ દેશોમાં લાઈવ ટેલીકાસ્‍ટ કરવામાં આવ્‍યુ. યમુના નદીના કિનારે સ્‍વ. મહાત્‍મા ગાંધી, સ્‍વ. જવાહરલાલજી નેહરૂ, સ્‍વ. ઈન્‍દીરા ગાંધી, સ્‍વ. સંજય ગાંધી સહિતના અગ્રણીઓની સમાધિ પાસે ”વીર ભૂમિ” તરીકે ઓળખાતી જગ્‍યા પર સમાધિ નિર્માણ કરવામાં આવી. દેશના કરોડો લોકોએ આંસુ ભીની આંખે રાજીવજીને અંતિમ વિદાય આપી હતી. આવો એ મહામાનવને હૃદયાંજલી અર્પીએ.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com