વડોદરામાં ભાજપમાં નારાજગી સામે ડેમેજ કંટ્રોલની કવાયત હાથ ધરવામાં આવી છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ડેમેજ કંટ્રોલનો હવાલો સંભાળ્યો છે. ત્રણ બેઠકો પર બળવાખોરોને મનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. હર્ષ સંઘવીએ પારુલ યુનિવર્સિટીમાં બંધ બારણે બેઠક યોજી હતી. વાઘોડિયામાં ભાજપના પદાધિકારીઓ સાથેની બેઠક પૂર્ણ થઈ છે. આ બેઠકમાં ભાજપના ઉમેદવાર અશ્વિન પટેલ હાજર રહ્યા હતા. જ્યારે મધુ શ્રીવાસ્તવ આ બેઠકમાં ગેરહાજર રહ્યા હતા. જે બાદ હવે માનવામાં આવી રહ્યું છે કે મધુ શ્રીવાસ્તવ કોઈ જાહેરાત કરી શકે છે. તેઓ અપક્ષ ઉમેદવારની જાહેરાત કરી શકે છે.
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ભાજપના બળવાખોર નેતાઓને ટક્કર આપવાનો નિર્ણય લીધો છે. હર્ષ સંઘવીએ ડેમેજ કંટ્રોલની પ્રક્રિયા શરૂ કરી છે. વાઘોડિયાની પારૂલ યુનિવર્સિટીમાં હર્ષ સંઘવીએ સભા કરી હતી. બાદમાં તેઓ કરજણમાં ભાજપના નેતા સતીષ નિશાળિયા અને પાદરામાં દિનુ મામાને મળશે. હર્ષ સંઘવીની સમજાવટ બાદ બળવાખોર નેતાઓ સંમત થશે? તેવી લોકોમાં ચર્ચા છે.
વડોદરા વાઘોડિયાના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને ભાજપે જાહેર કરેલી ઉમેદવારોની યાદીમાં ટિકિટ આપવામાં આવી નથી, જેના કારણે નેતાઓનો પારો ઊંચકાયો છે. તેથી તેણે નિર્ણય લીધો છે કે તે સ્થાનિક લોકો સાથે મળીને સ્વતંત્ર રીતે ઉમેદવારી ફોર્મ ભરી શકશે. તેમણે કહ્યું કે, કાર્યકરો કહેશે તો હું અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડીશ.
વડોદરામાં દબંગ ધારાસભ્યની ઇમેજ ધરાવતા વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ વારંવાર પોતાના વિવાદાસ્પદ નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. આ વખતે તેમને ભાજપ તરફથી ટિકિટ આપવામાં આવી નથી. તેમની જગ્યાએ જિલ્લા પ્રમુખ અશ્વિન પટેલને ટિકિટ આપવામાં આવી છે. ગઈકાલે સાંજે મહાદેવ તળાવ પાસે આવેલી મધુ શ્રીવાસ્તવની ઓફિસમાં બેઠક યોજાઈ હતી. બેઠકમાં મધુ શ્રીવાસ્તવ અપક્ષ ઉમેદવારી કરશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમણે વધુમાં કહ્યું કે તેમણે વર્ષો સુધી પાર્ટીમાં કામ કર્યું પરંતુ પાર્ટીએ મારી કદર નથી કરી. કાર્યકરો સાથેની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે પાર્ટીને પુનર્વિચાર કરવા કહ્યું.