વડોદરા માં કોરોના ની સ્થિતિ વકરી છે ત્યારે ગોત્રી કોવિડ હોસ્પિટલ અને સયાજી હોસ્પિટલમાં ફરજ ઉપર હાજર સ્ટાફે દર્દીઓ સાથે જ દિવાળી અને નવું વર્ષ મનાવ્યું હતું.
ગોત્રી હોસ્પિટલમાં તો કોરોના વોર્ડને બલૂન તેમજ લાઇટિંગ કરીને સજાવાયો હતો અને દર્દીઓ ને મીઠાઈનું વિતરણ કરી દિવાળીની શુભેચ્છા પાઠવવામાં આવી હતી. સામાન્ય રીતે દિવાળી દરમિયાન મેડિકલ સ્ટાફને 15 દિવસનું વેકેશન આપવામાં આવતું હોય છે, પરંતુ, વેકેશન રદ્દ થતા ગોત્રી હોસ્પિટલમાં 142 જેટલા કન્સલ્ટન્ટ ડૉક્ટર્સ તેમજ 80 રેસિડેન્ટ ડૉક્ટર્સ ફરજ પર હાજર રહીને કોરોના દર્દીઓની સેવા કરી કોરોના વોરિયર્સ તરીકેની પોતાની ફરજ નિભાવી રહ્યા છે.
વડોદરાની સયાજી અને ગોત્રી હોસ્પિટલનો સ્ટાફ કોરોના કાળ થી સતત ફરજ બજાવી રહ્યો છે જેથી તમામ તહેવારો, પર્વો અને ઉત્સવો તેમણે લગભગ દવાખાનામાં દર્દીઓની સાથે જ ઉજવ્યા હતા. જેમાં સ્ટાફ ના કર્મચારીઓ સંક્રમિત પણ થયા, સારવાર લીધી, રોગમુક્ત થયા અને પાછા દર્દી સેવામાં લાગી ગયા છે. સેવા ધર્મની પરંપરા પાળવા તબીબોએ અને અન્ય આરોગ્ય કર્મચારીઓએ પર્વની રજાઓ, વેકેશન નો લાભ લીધો નથી. તેઓ એ દવાખાનામાં પણ દર્દીઓને ઘર જેવી દિવાળીનો અનુભવ કરાવીને મનોબળ વધાર્યુ હતું.
