Valsad નગરપાલિકાઓની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી કરવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે. મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો છે, તેવામાં વલસાડ નગરપલિકા માટે કોંગ્રેસમાં ગાબડાં પડવાની શરુઆત થઈ ગઈ છે. કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ રોનક શાહે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું. ડાંગ-વલસાડના ભાજપના સાંસદ ધવલ પટેલ અને વલસાડ ભાજપ પ્રમુખ હેમંત કંસારાની હાજરીમાં રોનક શાહ ભાજપમાં જોડાયા, તેના કારણે રાજકીય લેવલે ભારે ગરમાટો જોવા મળી રહ્યો છે. રોનક શાહે વલસાડ નગરપાલિકાની ચૂંટણીમાં પોતાની પત્ની યોગિની શાહ માટે વોર્ડ નંબર-3 માટે ભાજપમાંથી ટિકિટની માંગ કરી હતી,જે મળી પણ ગઈ છે.
આમ જોવા જઈએ તો વલસાડ, પારડી, ધરમપુર એમ ત્રણ નગરપાલિકાની 96 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. કોંગ્રેસને લાગે-વળગે ત્યાં સુધી રોનક શાહનું રાજીનામું વલસાડ કોંગ્રેસ માટે મોટા નુકશાન તરફ દોરી જનારું પુરવાર થઈ શકે એમ છે. વલસાડ કોંગ્રેસમાં ચાલી રહેલી જૂથબંધી અને ગુજરાત કોંગ્રેસના પ્રદેશ નેતાગીરીની ભારે ઉદાસીનતા કહો કે યાદવાસ્થળી કહો કોંગ્રેસનું દિન પ્રતિ દિન નખ્ખોદ નીકલી રહ્યું છે.
વલસાડમાં જે સમસ્યા છે એ કોંગ્રેસની સમગ્ર ગુજરાતમાં સમસ્યા છે. સંગઠનનના નામે મસમોટું મીંડુ જોવા મળી રહ્યું છે. જૂથબંધી હદ વિનાની ફૂલીફાલી છે. જૂથબંધી પર પ્રદેશ અને શહેર-જિલ્લા કોંગ્રેસના નેતાઓ આજે પણ કન્ટ્રોલ કરી શક્યા નથી. વલસાડમાં કોંગ્રેસના લડતા ઝઘડતા જૂથો એકબીજા પર ભાજપના સ્લીપર સેલનો આક્ષેપ મૂક્તા આવ્યા છે. ભાજપ સાથે નેતાઓના ઈલુ-ઈલુને લઈને પણ અવારનવાર આક્ષેપો અને પ્રતિ આક્ષેપો કરવામાં આવતા હોય છે.
મહત્વનું છે કે કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ કોંગ્રેસમાં રહીને ભાજપનું સ્લીપર સેલ ચલાવતા નેતાઓને બહારનો રસ્તો બતાવી દેવાની ચેતવણી આપી જ દીધી છે છતાં પણ જૂથબંધીમાં રચ્યા-પચ્યા રહેતા નેતાઓ ભાજપ સાથેના ઈલુ ઈલુથી વાજ આવી રહ્યા નથી.
વલસાડ કોંગ્રેસમાં વર્તમાન સમયમાં વાપીના કોલેજના સંચાલક મિલન દેસાઈનું ખાસ્સુ એવું વર્ચસ્વ છે. મિલન દેસાઈ કોંગ્રેસ અને ભાજપ એમ બન્નેમાં પગ રાખીને ચાલે છે. મિલન દેસાઈને અનેક વખત ગુજરાતના નાણા મંત્રી કનુ દેસાઈ સાથે સ્ટેજ પર અગલ-બગલમાં બેઠેલા જોવાયા છે. મિલન દેસાઈના કોંગ્રેસમાં વિશ્વાસુ નેતા તરીકે વર્તમાન પ્રુમખ દિનેશ પટેલનું નામ આવે છે. દિનેશ પટેલ અને મિલન દેસાઈની જોડી વલસાડ અને વાપીમાં પ્રખ્યાત છે. કોંગ્રેસમાં મિલન દેસાઈના વિરોધીઓ ભાજપ સાથે ઈલુ-ઈલુ હોવાના આક્ષેપો કરતા રહ્યા છે. મિલન દેસાઈ, દિનેશ પટેલ અને માજી સાંસદ કિશન પટેલની એક આખી ધરી છે.
અત્રે યાદ અપાવી દઈએ કે જીતુ ચૌધરીએ કોંગ્રેસ છોડી ભાજપનો ભગવો ખેસ ધારણ કર્યો તો કિશન પટેલ સામે ખાસ્સા એવા ગંભીર આક્ષેપો કર્યા હતા. તેવી જ રીતે ડાંગમાં મંગળ ગાવિત અને છના ચૌધરીએ પણ કોંગ્રેસ છોડી તો મુખ્ય કારણ કોંગ્રેસના નેતાઓ સામેનો ભારે અસંતોષ હતો.બીજી વાત એ છે કે દિનેશ પટેલ મૂળભૂત રીતે ઉમરગામ તાલુકાના વલવાડા ગામનાં છે અને પ્રમુખ તરીકે તેમની આ બીજી ટર્મ છે, પરંતુ આ બે ટર્મ દરમિયાન કોંગ્રેસનું મોટાપાયા પર ધોવાણ થયું છે અને તેમની સામે નિષ્ક્રિયતા સહિત કોંગ્રેસના કાર્યકરો સાથે અયોગ્ય વ્યવહાર કરવાના આક્ષેપો થતા રહ્યા છે અને ભાજપ સાથે ભેળસેળ કરતા હોવાની પણ ચર્ચા થઈ રહી છે.
આ વાત થઈ મિલન દેસાઈ. દિનેશ પટેલ અને કિશન પટેલની…હવે કોંગ્રેસના દિગ્ગજ નેતા એવા ગૌરવ પંડ્યા..ગૌરવ પંડ્યા માટે એવું કહેવાય છે કે વલસાડમાં તેમણે કોંગ્રેસનું નખ્ખોદ વાળી નાંખ્યું છે. ગૌરવ પંડ્યાએ કોંગ્રેસને બેઠી કરવાના બદલે ડૂબાડી દીધી છે તો આ અંગે ભારે મતમાંતરો છે. લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ફંડ રાઈઝર તરીકે તેમની કામગીરી જોવા મળી હોવાની ચર્ચા છે. તેઓ સ્વર્ગીય અહેમદ પટેલના અત્યંત ભરોસાપાત્ર હતા. વલસાડ પીપલ્સ બેંકના કૌભાંડમાં તેમનું ચર્ચામાં આવ્યું પરંતુ સુપ્રીમ કોર્ટમાં ગૌરવ પંડ્યાએ પિટીશન ફાઈલ કરી પોતાનું નામ ખોટી રીતે લેવામાં આવ્યું હોવાની અરજ કરતાં તેમનું નામ કાઢી નાંખવાનો હુકમ કરવામાં આવ્યો હતો.ગૌરવ પંડ્યાની સામે મિલન દેસાઈ, કિશન પટેલ અને દિનેશ પટેલની લોબી છે. આ બન્ને જૂથો એકબીજા સામે વર્ષોથી ઘૂરક્યા કરે છે. આ ઘૂરક્યાકાંડથી વલસાડમાં કોંગ્રેસના કોફિનમાં એક પછી એક અનેક ખીલા જડાઈ રહ્યા હોવાની લાગણી કોંગ્રેસના કાર્યકરોમાં જોવા મળી રહી છે. વલસાડ કોંગ્રેસને કનુભાઈ દેસાઈ કે મિલન દેસાઈ, દિનેશ પટેલ કે ગૌરવ પંડ્યા હેન્ડલ કરી રહ્યા છે એ કોઈ કાળે સમજી શકાતું નથી.
વલસાડ કોંગ્રેસમાં ચર્ચાઈ રહેલી વાત મુજબ આજે પણ મોટી મોટી કંપનીઓ અને અનેક સરકારી કોન્ટ્રાક્ટ કોંગ્રેસના નેતાઓના ચાલી રહ્યા છે. કનુભાઈ દેસાઈને ભાજપના કાર્યકરોને મળવાનું હોય તો પણ પહેલું પગથિયું મિલન દેસાઈનું પાર કરવું પડે એવી સ્થિતિ છે. મિલન દેસાઈ કોંગ્રેસના છે કે ભાજપના? એ કળી શકાતું નથી. કનુભાઈ દેસાઈ પાછલા બારણેથી વાયા દિનેશ પટેલ , મિલન દેસાઈ કોંગ્રેસનું સંચાલન કરી રહ્યા હોવાની ચર્ચા હવે વલસાડમાં સર્વ સામાન્ય બની ગઈ છે.