VIDEO: ચેતેશ્વર પૂજારાને આઉટ કરવા ચાહકો કરી રહ્યા હતા આજીજી, વિરાટ કોહલી જ હતું સાચું કારણ

0
65

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2023ના ત્રીજા દિવસે એક વિચિત્ર નજારો જોવા મળ્યો હતો. વિરાટ કોહલીને મેદાન પર બેટિંગ કરતા જોવા માટે ચાહકો ચેતેશ્વર પૂજારાને આઉટ કરવા માટે આજીજી કરતા જોવા મળ્યા હતા. આ ઘટનાનો વીડિયો એક ફેન્સ દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો છે જે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના ભારતીય ઇનિંગ્સની 62મી ઓવરમાં બની હતી જ્યારે ટોડ મર્ફીએ ચેતેશ્વર પૂજારાને તેના છેલ્લા બોલે વિકેટની સામે ફસાવી દીધો હતો.

ચેતેશ્વર પૂજારા 62મી ઓવરના છેલ્લા બોલ પર ટોડ મર્ફીના હાથે LBW આઉટ થયો હતો. જ્યારે પૂજારા અમ્પાયરના નિર્ણય સાથે સહમત ન હતો ત્યારે તેણે રિવ્યુની માંગ કરી હતી. જ્યારે થર્ડ અમ્પાયર રિપ્લેમાં ચેક કરી રહ્યા હતા ત્યારે ફેન્સ વિરાટ કોહલીના નારા લગાવી રહ્યા હતા. ત્યારબાદ વિડિયો બનાવતો ફેન કહેતો જોવા મળે છે કે ‘પુજારાના LBW આઉટની કોઈને પરવા નથી’. લોકો તેને આઉટ થતો જોવા માંગે છે જેથી વિરાટ કોહલી બેટિંગ કરવા બહાર આવે.


તમને જણાવી દઈએ કે, પૂજારાને ટોડ મર્ફ 42ના અંગત સ્કોર પર આઉટ કર્યો હતો. ઓસ્ટ્રેલિયાના 480 રનના સ્કોર સામે પૂજારાએ શાનદાર બેટિંગ કરી હતી, તેણે 121 બોલનો સામનો કર્યો હતો અને 3 ચોગ્ગા ફટકાર્યા હતા.

વિરાટ કોહલીની વાત કરીએ તો, પૂજારાના આઉટ થયા બાદ તેણે એક છેડેથી વિકેટ જાળવી રાખી અને ત્રીજા દિવસના અંત સુધીમાં અણનમ 59 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો. કોહલીની આ અડધી સદી ટેસ્ટ ક્રિકેટમાં 16 ઇનિંગ્સ પછી આવી છે. ચાહકોને આશા છે કે ટેસ્ટ ક્રિકેટમાં તેમની સદીનો દુષ્કાળ અમદાવાદ ટેસ્ટમાં જ ખતમ થઈ જશે.

ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં ભારતે 3 વિકેટના નુકસાન પર 289 રન બનાવી લીધા છે. વિરાટ કોહલી સાથે રવિન્દ્ર જાડેજા ક્રિઝ પર હાજર છે.