સુરત ભાજપ લઘુમતિ મોરચામાં ‘દોસ્તાના’? હોમો સેક્સનો મેસેજ ફરતો થતાં થઈ આવી બબાલ

સુરત ભાજપમાં બે યુવા કાર્યકરો વચ્ચે ગે-રિલેશન હોવાના મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ ભારે હોબાળો મચી ગયો છે. મામલો પોલીસ મથક સુધી પહોંચી ગયો અને મેસેજ વાયરલ કરનાર ભાજપના જ કાર્યકર વિરુદ્વ ભાજપના જ હોદ્દેદારે પોલીસ ફરીયાદ નોંધાવી છે. સુરતની લાલગેટ પોલીસ આ અંગે તપાસ કરી રહી છે.

પોલીસ વર્તુળો મુજબ સુરત ભાજપ લઘુમતિ મોરચાના મહામંત્રી ઈમરાન મેમણે લાલગેટ પોલીસ સ્ટેશનમા ફરીયાદ લખાવી છે. ફરીયાદ પ્રમાણે ઈમરાન મેમણ સુરત ભાજપ લઘુમતિ મોરચામાં મહામંત્રી તરીકેનો હોદ્દો ધરાવે છે. 25મી નવેમ્બરે ચોકબજાર ખાતે આવેલી અલ ખલીલ ટી-સેન્ટર પર સુરત લઘુમતિ મોરચાના પ્રમુખ વાજીદ(મોહસીન)મીર્ઝા સાથે ઉભો હતો ત્યારે યુનુસ શાહ નામનો ભાજપનો જ કાર્યકર ત્યાં આવ્યો હતો અને કહ્યું હતું કે પાર્ટીના નામે સારા રૂપિયા બનાવ્યા છે. જો રાજકારણમાં રહેવું હશે તો બે લાખ રૂપિયાની ખંડણી આપવી પડશે. નહિંતર તમે બન્નેને બદનામ કરી દઈશ.

ત્યાર બાદ ઈમરાનને પહેલી ડિસેમ્બરે જાણવા મળ્યું કે વ્હોટઅપ ગ્રુપમાં ફોટો ફરી રહ્યા છે અને ફોટો પર અશ્લીલ લખાણ લખવામાં આવ્યું છે. બન્ને વચ્ચે ગે-રિલેશન હોવાનો મેસેજ વાયરલ કરવામાં આવ્યો હતો. આ બાબતની જાણ થતાં ઈમરાન મેમણ ચોંકી ઉઠ્યો હતો અને તપાસ કરતાં માલૂમ પડ્યું કે યુનુસ શાહ નામના માણસે ફોટો સાથે લખાણ વાયરલ કર્યું છે.

ઈમરાન મેમણે તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો અને પોલીસ ફરીયાદ દાખલ કરી હતી. વાયરલ થયેલો મેસેજ અશ્લીલ હોવાથી પ્રસિદ્વ કરવાનું મુનાસિબ લાગ્યું નથી. પોલીસે યુનુસ શાહની પૂછપરછ કરતાં તેણે કહ્યું હતું આવો મેસેજ અન્ય ગ્રુપમાંથી આવ્યો હતો અને મેં ફોરવર્ડ કર્યો હતો. પોલીસે યુનુસ શાહનો મોબાઈલ તપાસ માટે મોકલી આપ્યો છે કે ખરેખર મેસેજ ક્યાંથી વાયરલ થયો હતો.

Share
WP Twitter Auto Publish Powered By : XYZScripts.com