ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચની બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2023ની ચોથી અને અંતિમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં મેદાનમાં ઉતરતાની સાથે જ પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ સચિન તેંડુલકર, કપિલ દેવ, સૌરવ ગાંગુલી અને રાહુલ દ્રવિડ જેવા અનેક દિગ્ગજોની યાદીમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. હકીકતમાં, ભારતીય ધરતી પર કોહલીની આ 50મી ટેસ્ટ મેચ છે અને તે આવું કરનાર માત્ર 13મો ભારતીય ખેલાડી બન્યો છે. વર્તમાન ટીમમાં તેમની પહેલા આર અશ્વિન અને ચેતેશ્વર પૂજારા આ કારનામું કરી ચુક્યા છે.
ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરના નામે ભારત માટે ઘરઆંગણે સૌથી વધુ ટેસ્ટ મેચ રમવાનો રેકોર્ડ છે. માસ્ટર બ્લાસ્ટર દ્વારા તેની કારકિર્દીમાં રમાયેલી 200 ટેસ્ટમાંથી 94 ઘરઆંગણે રમાઈ છે. જ્યારે રાહુલ દ્રવિડ, સુનીલ ગાવસ્કર, કપિલ દેવ અને અનિલ કુંબલે આ યાદીના ટોપ 5 ખેલાડીઓમાં સામેલ છે.
સચિન તેંડુલકર – 94
રાહુલ દ્રવિડ – 70
સુનીલ ગાવસ્કર – 65
કપિલ દેવ – 65
અનિલ કુંબલે – 63
વીવીએસ લક્ષ્મણ – 57
આર અશ્વિન – 55*
હરભજન સિંહ – 55
દિલીપ વેંગસરકર – 54
વિરેન્દ્ર સેહવાગ – 52
ચેતેશ્વર પૂજારા – 51
સૌરવ ગાંગુલી – 50
વિરાટ કોહલી – 50*
વિરાટ કોહલીના આંકડાઓ પર નજર કરીએ તો તેણે અત્યાર સુધી ઘરઆંગણે રમાયેલી ટેસ્ટ મેચોમાં 58.20ની એવરેજથી 3958 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 13 વખત 100 રનનો આંકડો પાર કર્યો છે. ઘરઆંગણે વિરાટ કોહલીનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 254 રન છે. ટીમ ઈન્ડિયાને અમદાવાદ ટેસ્ટમાં પણ વિરાટ કોહલી પાસેથી શાનદાર પ્રદર્શનની અપેક્ષા છે.
આ મેચ ભારત માટે ઘણી મહત્વની છે. અમદાવાદમાં કાંગારૂઓ પર જીત મેળવ્યા બાદ ટીમ ઈન્ડિયાની નજર 3-1થી સિરીઝ જીતવા અને સતત બીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં સ્થાન મેળવવા પર હશે. જો ભારત આ મેચમાં હારી જાય છે અથવા મેચ ડ્રો રહે છે તો ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા વિ ન્યુઝીલેન્ડ સીરીઝ પર નિર્ભર રહેવું પડશે.