હૈદરાબાદના સાંસદ અને ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદ-ઉલ-મુસ્લિમીન (AIMIM)ના વડા અસદુદ્દીન ઓવૈસીએ બાળ લગ્નના આરોપીઓની ધરપકડ કરવાના આસામ સરકારના પગલાની આકરી ટીકા કરી છે. રાજ્યના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા પર પ્રહાર કરતા ઓવૈસીએ પૂછ્યું છે કે તે 8000 છોકરીઓનું શું થશે જેમના લગ્ન થઈ ગયા છે અને જેમના પતિઓની ધરપકડ કરવામાં આવી રહી છે?
ઓવૈસીએ પૂછ્યું કે હવે એ છોકરીઓનું ધ્યાન કોણ રાખશે? તેમણે કહ્યું કે અસાર સરકારે અત્યાર સુધીમાં 8000 કેસની ઓળખ કરી છે. તેમાંથી 4000 કેસ નોંધાયા છે અને 2000થી વધુ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. AIMIMના વડાએ આરોપ લગાવ્યો કે આસામના મુખ્યમંત્રી મુસ્લિમો વિરુદ્ધ પૂર્વગ્રહથી પ્રેરિત છે, તેથી જ તેઓ આવી કાર્યવાહી કરી રહ્યા છે.
તેમણે પૂછ્યું કે આસામ સરકાર શા માટે શાળાઓ ખોલતી નથી? ઓવૈસીએ એમ પણ પૂછ્યું કે જ્યારે મુખ્યમંત્રી ઉપલા આસામમાં ભૂમિહીનને જમીન આપી શકે છે તો નીચેના આસામમાં ભૂમિહીનને જમીન કેમ નથી આપતા? તેમણે એવો પણ સવાલ કર્યો હતો કે જ્યારે આ કાયદો 2006માં બન્યો હતો તો હવે શા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
તમને જણાવી દઈએ કે આસામ પોલીસે શુક્રવારથી બાળલગ્ન પર કાર્યવાહી હાથ ધરીને આવા મામલા સામે નોંધાયેલી 4,074 FIRના આધારે અત્યાર સુધીમાં 2,258 લોકોની ધરપકડ કરી છે. મુખ્યમંત્રી હિમંતા વિશ્વ શર્માએ શનિવારે કહ્યું કે આ અભિયાન 2026ની વિધાનસભા ચૂંટણી સુધી ચાલુ રહેશે. તેના વિરોધમાં રાજ્યના ઘણા ભાગોમાં લોકોએ જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું છે.