સ્વતંત્રતા દિવસ અને લાલ કિલ્લાની ઐતિહાસિક પરંપરા: નહેરુના “ટ્રાયસ્ટ વિથ ડેસ્ટિની” થી મોદી સુધીનું યાત્રાપથ
લાલ કિલ્લો માત્ર એક ઇમારત નથી, તે ભારતના ગૌરવ અને સ્વતંત્રતાના સંઘર્ષનું જીવંત પ્રતીક છે. મુઘલ સમ્રાટ શાહજહાં દ્વારા 1648માં બનાવાયેલો લાલ કિલ્લો લાંબા સમય સુધી શાસનશક્તિનું પ્રતીક રહ્યો. 1857ના પ્રથમ સ્વતંત્રતા સંઘર્ષ પછી અંગ્રેજોએ આ કિલ્લાનો કબજો મેળવી લીધો અને તેને લશ્કરી છાવણીમાં ફેરવી દીધો. જ્યારે 15 ઓગસ્ટ 1947ના રોજ ભારતને આઝાદી મળી, ત્યારે પંડિત જવાહરલાલ નહેરુએ આ કિલ્લાની પ્રાચીર પરથી ત્રિરંગો ફરકાવ્યો અને દેશને સંબોધન કર્યું. તે દિવસે લાલ કિલ્લો ફરીથી શક્તિ, સન્માન અને આત્મસન્માનનું પ્રતીક બની ગયો.
પંડિત નહેરુનું પ્રથમ ભાષણ: “ટ્રાયસ્ટ વિથ ડેસ્ટિની”
ભારતના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ 14 ઑગસ્ટ 1947ની મધ્યરાત્રિએ બંધારણ સભામાં આપેલું “ટ્રાયસ્ટ વિથ ડેસ્ટિની” ભાષણ વિશ્વપ્રસિદ્ધ થયું. આ ભાષણમાં તેમણે કહ્યું હતું: “At the stroke of the midnight hour, when the world sleeps, India will awake to life and freedom.”
ટ્રાયસ્ટ વિથ ડેસ્ટિનીનો અર્થ થાય છે – “નિયતિ સાથે કરેલ એક વચન.” આ ભાષણ માત્ર સ્વતંત્રતાની ઘોષણા નહીં પરંતુ નવા ભારતના નિર્માણ માટેનો દૃઢ સંકલ્પ પણ હતું.
16 ઑગસ્ટ 1947ના રોજ નેહરુએ લાલ કિલ્લા પરથી પ્રથમવાર રાષ્ટ્રને સંબોધિત કર્યું અને પોતાને “દેશનો પ્રથમ સેવક” તરીકે ઓળખાવ્યાં. ત્યારથી, દરેક વડા પ્રધાન 15 ઑગસ્ટે લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધિત કરે છે.

પીએમ મોદીના 12મા ભાષણનું ઐતિહાસિક મહત્વ
2025માં ભારત તેનો 79મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના 12મા સ્વતંત્રતા દિવસના સંબોધન સાથે ઇતિહાસ રચી રહ્યા છે. તેઓ આ કર્તવ્ય નિરંતર 12 વખત નિભાવનારા દેશના બીજા વડા પ્રધાન બન્યા છે. આ વર્ષે ખાસ કરીને “ઓપરેશન સિંદૂર”ની જીત અને રાષ્ટ્રસુરક્ષાના નવા પરિપ્રેક્ષ્યમાં તેમના સંબોધનનું મહત્ત્વ વધારે છે. સાથે જ, લગભગ 5000 ખાસ મહેમાનોની હાજરીમાં લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશના વિકાસ, આત્મનિર્ભરતા અને એકતાનો સંદેશ આપશે.
અંતમાં
લાલ કિલ્લો ભારતના ઇતિહાસનું એક જીવંત સાક્ષી છે. સ્વતંત્રતા દિવસની ઉજવણી અહીં થવી એ માત્ર પરંપરા નહીં પણ ભારતની અસમીતાનું પ્રતીક છે – જ્યાં ગુલામીમાંથી મુક્તિ અને નવિન ભારતના નિર્માણનો સંકલ્પ દરેક વર્ષને નવી દિશા આપે છે.

