સ્મગલરે 70માં રમેલી બ્લાઇન્ડ બાજીના પત્તા રૂપાણી ફરી ચીપશે ? – ભાર્ગવ પરીખ દ્વારા

છેલ્લા બે દિવસથી ગુજરાતનું રાજકારણ રાહુલ અને રૂપાણી ના રવાડે ચઢ્યું છે. રાહુલ ગાંધી એક બાજુ ભાજપ ને ચાબખાં મારે છે તો બીજી બાજુ રૂપાણી બે દિવસ થી નવી જાહેરાતો કરી મલમ લગાડે છે પણ બંને પાર્ટી સોશિયલ એન્જીનીયરીંગ ના નામે આમ તો 70 ના દાયકા માં શરુ થયેલા જ્ઞયાતી વાદ ના રાજકારણ ને પ્રોત્સાહન આપી રહ્યા છે .

ગુજરાત માં આમતો જાતિવાદ અને કોમવાદ નું રાજકારણ કોઈ રાજકારણી નથી લાવ્યો પણ એ શરુ થયું છે એક સ્મગલર ના ખેલ થી ગુજરાત માં શરુ થયેલા આ ખેલ ને સમજવા માટે આપણે થોડા ફ્લેશ બેક માં જઇયે

ગુજરાત માં  નાત, જાત કોમવાદનો કાદવ નાંખનાર ગુજરાતનો રાજકારણી નહીં પણ મુંબઇનો સ્મગલર હતો. એ હતો મુંબઇને ધ્રુજાવનાર હાજી મસ્તાન ને કારણે  70ના દાયકામાં ગુજરાતનું રાજકારણ લાસવેગાસના કેસીનોના રવાડે ચડ્યું હતું એ સમયે  એક પાસો બાબુભાઇ જશભાઇને ન્યાલ કરે તો બીજો પાસો ચીમનભાઇ પટેલને પાયમાલ કરે. તો વળી ત્રીજો પાસો માધવસિંહ સોલંકીને માલામાલ કરનારો હતો.

એવામાં મુંબઇના રાજકારણમાં હાથ અજમાવી ચુકેલા હાજી મસ્તાને ગુજરાતના રાજકારણમાં હાથ નાંખ્યો હતો અને દલિત મુસ્લીમ ભાઇ ભાઇના નારા સાથે ગુજરાતમાં આવ્યો હતો. હાજી મસ્તાનની આ હાજરીએ ગુજરાતના રાજકારણને હચમચાવી મૂક્યું હતું અને ગુજરાતમાં જાતિના રાજકારણની શરૂઆત થઇ. મોરારજીની આંગળી પકડીને રાજકારણમાં આવેલા ચીમનભાઇ ઠેકડો મારીને સી.એમ થયા હતાં. ઇન્દીરા ગાંધી સામે બાથ ભીડી લીધી. બાબુભાઇ જશભાઇ પટેલને મુશ્કેલીમાં મૂકી દીધા હતાં. એનું નુકસાન એમણે નવનિર્માણ આંદોલનમાં ભોગવ્યું હતું. પછી પટેલોને અંકે કરી કીમલોપ પાર્ટી બનાવી ત્યાં સુધીમાં ચીમનભાઇ લોકો માટે ધિક્કારનું સિમ્બોલ થઇ ગયા હતાં. આ અરસામાં કોંગ્રેસને ફરી બેઠી કરવા માધવસિંહ સોલંકીએ નવી બાજી રમી નાંખી હતી. પટેલોને તડકે મૂકી ક્ષત્રિય હરિજન, આદિવાસી અને મુસ્લીમની નવી અલગ વોટ બેન્ક બનાવી અને ખામ થિયરી પર સત્તા પર બેઠા. ખામ થિયરીમાં સવર્ણો તડકે મુકાયેલા હતાં…અને 1981માં પહેલું અનામત આંદોલન થયું. પણ માધવસિંહની ખામ થિયરીનો જાદુ એવો તો ચાલ્યો કે, 1985માં ફરી સત્તા પર રેકોર્ડ બ્રેક બેઠક સાથે સત્તા પર બેઠા. પણ 1985માં થયેલા અનામત આ્ંદોલને એમની ખૂરશીના પાયા હચમચાવી નાંખ્યા. એમણે ખૂરશી છોડવી પડી અને અમરસિંહ ચૌધરીને ગાદી પર બેસાડવામાં આવ્યા હતાં.

અહીં એ સમયે હાંસિયામાં ધકેલાઇ ગયેલા પટેલોને ચીમનભાઇ અંકે કરી રહ્યા હતા તો બીજી તરફ ભાજપ પણ પોતાની નવી થિયરી સાથે મેદાન બનાવી રહ્યું હતું. ભાજપ ખામ થિયરીની સામે ફાક થિયરી લઇને મેદાનમાં ઉતર્યું હતું. ફાક એટલે પટેલ, હરિજન આદિવાસી અને ક્ષત્રિય…વોટ બેન્કની થિયરી, જેમાં પટેલ નેતા તરીકે કેશુભાઇ પટેલ, હરિજન નેતા તરીકે ફકીરભાઇ વાઘેલા, આદિવાસીઓમાં સૂર્યકાન્ત આચાર્ય, અને ક્ષત્રિય નેતા તરીકે મોરચો શંકરસિંહ વાઘેલાએ સંભાળ્યો હતો. ફાક થિયરી સાથે મેદાનમાં ઉતરેલા ભાજપે પહેલા શહેરી વિસ્તારો અંકે કર્યા અને 1990માં ચીમનભાઇ સાથે હાથ  મિલાવી કોંગ્રેસને કોરાણે મૂકી દીધી હતી. પણ આગઠબંધન લાંબુ ન ચાલ્યું. ચીમનભાઇથી ભાજપ છુટું પડ્યું એટલે કોંગ્રેસના ટેકે ચીમનભાઇએ સરકાર ચલાવી પણ શંકરસિંહે ધીરજ ગુમાવી ન હતી. ફાક થિયરી મજબુત થતી ગઇ. અને 1995માં ફરીથી કેશુભાઇની સરકાર આવી અને ઉથલી ગઇ અને શંકરસિંહની સરકારનું પાટિયું લાગી ગયું હતું. શંકરસિંહ અઠંગ રાજકારણી છે, તે ભાજપને કાઉન્ટર કરવા તેર તાંસળીનું રાજકારણ રમ્યાં એટલે કે ગુજરાતમાં સૌથી મોટો વર્ગ ઓબીસીને હાથ પર લેવાની કોશિશ કરી હતી. ઓબીસી એટલે પ્રજાપતિ, ભરવાડ, આહિર જેવી 13 નાત પર રાજકારણ શરૂ થયું પણ ગણિત ઊંધું પડ્યું.

 

1998માં ફરી કેશુભાઇ પટેલે સરકાર બનાવી. કરમની કઠણાઇ ગણો કે ગમે તે કેશુભાઇના વખતમાં દુકાળ, અતિવૃષ્ઠિ અને ભૂકંપ આવ્યો. ગુજરાતનો ભૂકુંપ એમની ખૂરશી ભરખી ગયો,. 2001ના ઓક્ટોબરમાં કેશુભાઇની જગ્યાએ નરેન્દ્ર મોદી આવ્યા. 2002માં થયેલી કોમી હિંસા એ બધા રાજકીય પંડિતોના ગણિત ઊંધા કરી નાંખ્યા. હિન્દુતિવના વેવમાં ડિસેમ્બર 2007માં મોદીએ હિન્દુત્વની સાથે સાથે ઓબીસીને અંકે કરી સત્તા લીધી. 2012માં એમના માટે થોડા કપરાં ચઢાણ હતાં પરંતુ કેશુભાઇ પટેલે રચેલી મહાગુજરાત જનતા પાર્ટી આશીર્વાદરૂપ સાબિત થઇ. ભાજપથી નારાજ વોટ વહેંચાઇ ગયા અને મોદી ફરીથી સીએમ બન્યાં અને પીએમની રેસમાં આવી ગયાં. 2014માં નરેન્દ્રભાઇ પીએમ બન્યા અને આનંદીબેનને આનંદ કરાવવા ગાદી આપી ગયા. આનંદીબેન આનંદ ભૂલી ભાજપને મજબુત કરવા એડીચોટીનું જોર લગાવી રહ્યા હતાં ત્યાં પટેલ અનામત આંદોલને પટલાણીને પલાળી નાંખ્યા, હજુ તેની કળ વળે ત્યાં દલિત આંદોલનની આંગ એવી લાગી કે, ફરી દલિત, મુસ્લીમ ભાઇ ભાઇના નારા શરૂ થઇ ગયાં. ખૂરશી નીચે લાગેલી આગ બુઝાવવા જાય એ પહેલા એમને ઘરે જવું પડ્યું અને વિજય રૂપાણીને ગાદીએ બેસાડવામાં આવ્યા. હવે વિજય રૂપાણી માટે પણ વિજય મેળવવો સહેલો નથી. કારણ કે 70ના દાયકામાં સ્મગલર હાજી મસ્તાને લગાવેલા દલિત મુસ્લીમ ભાઇ ભાઇના અંગારા હજું પણ ધુમાડા કાઢે છે. પટેલ આંદોલનમાં ભલે ફૂટ પડી હોય પણ ગ્નાતિના સમીકરણ ગોઠવવામાં એમના માટે ત્રાજવામાં દેડકાં તોલવા જેવો ઘાટ થયો છે. કારણ કે એક પલ્લામાં સોશિયલ એન્જિનિયરિંગ કરી ગ્નાતિનું રાજકારણ ગોઠવે ત્યાં બીજા પલ્લાંમાંથી બીજી ગ્નાતિ કુદી પડે છે. એટલે હવે રૂપાણીને રૂપાળો વિજય મેળવવા માટે 70ના દાયકામાં સ્મગલર હાજી મસ્તાને રમેલી બ્લાઇન્ડ બાજી માટે ફરી પત્તા ચીપવા પડશે. અને 2017 માટે ભાજપને નવેસરથી મેક અપ કરી મેક ઓવર કરવું પડશે. એમાં શંકાને કોઇ સ્થાન નથી.

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

Leave a Reply

Your email address will not be published.