ભારતની મેજબાનીમાં રમાઈ રહેલા વનડે વર્લ્ડ કપ 2023માં ઘણા શાનદાર મુકાબલા અને ખૂબ વિવાદ સામે આવ્યા છે. પરંતુ સોમવારે શ્રીલંકા અને બાંગ્લાદેશની વચ્ચે રમાયેલી મેચમાં એક એવો વિવાદ સામે આવ્યો છે જેણે ખૂબ જ મોટો ચર્ચા ઉભી કરી છે.
આ શ્રીલંકાના બેટ્સમેન એન્જેલો મેથ્યૂઝના ટાઈમ આઉટનો વિવાદ છે. મેથ્યૂઝ હવે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ટાઈમ આઉટ થનાર દુનિયાના પહેલા ક્રિકેટર બની ગયા છે. પરંતુ જણાવી દઈએ કે મેથ્યૂઝ પહેલા ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી પણ એક વખત ટાઈમ આઉટ થવાથી બચી ગયા હતા.
આ વાત 16 વર્ષ પહેલાની છે. જો ત્યારે ગાંગુલી આઉટ થયા હોત તો આજે મેથ્યૂઝ ટાઈમ્ડ આઉટ થનાર બીજા બેટ્સમેન હોત. પરંતુ તે સમયે ગાંગુલી માંડ-માંડ બચ્યા હતા.
હકીકતે આ વાત વર્ષ 2007 વખતે સાઉથ આફ્રીકા પ્રવાસની છે. જ્યારે ભારતીય ટીમ અને સાઉથ આફ્રીકાની વચ્ચે કેપટાઉન ટેસ્ટ મેચ રમાઈ રહી હતી અને તે મેચના ચોથા દિવસે ભારતીય ટીમે પોતાની બીજી ઈનિંગમાં ત્રીજા ઓવરમાં 6 રન પર જ બન્ને ઓપનરની વિકેટ ગુમાવી દીધી હતી. વીરેન્દ્ર સહેવાગ અને વસીમ જાફર આઉટ થઈ ગયા હતા.
ત્યાર બાદ સચિન તેંડુલકરને આવવાનું હતું પરંતુ તે મેચના ત્રીજા દિવસે થોડા સમય માટે મેદાનથી બહાર રહ્યા હતા. એવામાં તે એક નિર્ધારિત સમય પહેલા બેટિંગ માટે ન હતા આવી શકતા. ત્યારે વીવીએસ લક્ષ્મણ નહાવા જતા રહ્યા હતા. તે સમયે સૌરવ ગાંગુલી ટ્રેકસૂટમાં ફરી રહ્યા હતા. તરત તૈયાર થઈને મેદાન પર આવવાનું હતું. ત્યારે સ્ટાફના મોટાભાગના લોકો ગાંગુલીને તૈયાર કરવામાં લાગી ગયા હતા.
કોઈએ પેડ પહેરાવ્યા, તો કોઈ થાઈ બાંધી રહ્યું હતું. આ બધા છતાં ગાંગુલીને મેદાન પર આવવામાં 6 મિનિટનું મોડુ થઈ ગયું. જ્યારે નિયમ અનુસાર તેમને 3 મિનિટની અંદર જ મેદાન પર જવાનું હતું. જ્યારે ગાંગુલી 6 મિનિટ મોડા મેદાન પર આવ્યા ત્યારે એમ્પાયરે સાઉથ આફ્રીકા ટીમના કેપ્ટન ગ્રીમ સ્મિથને બધા નિયમ અને મામલો સમજાવ્યો હતો.