પેપર લીક કાંડ: માસ્ટર માઈન્ડ યશપાલને બનવું હતું લોક રક્ષક, સુરતના પરીક્ષા કેન્દ્રનાં CCTV ફૂટેજ સામે આવ્યા

ગુજરાતની રૂપાણી સરકારને હચમચવાતા લોક રક્ષક દળની પરીક્ષાના પેપર લીક કાંડનાં મુખ્ય સૂત્રધાર યશપાલને લોક રક્ષક બનવું હતું. પરીક્ષા આપવા માટે યશપાલસિંહ જશવંતસિંહ ઠાકોર સુરત આવ્યો હતો અને પરીક્ષા આપ્યા બાદથી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

ગયા રવિવારે લોક રક્ષક દળની પરીક્ષા યોજવામાં આવી હતી. નવા લાખ જેટલા પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી પરંતુ પેપર લીક થવાની જાણ થતાં સરકારે પરીક્ષા રદ્ કરતાં ભારે હોબાળો મચી ગયો હતો અને ગુજરાત સરકાર ભીંસમાં મૂકાઈ જવા પામી હતી.

પેપર લીક થવાની તપાસ શરૂ કરવામાં આવી અને પોલીસે અત્યાર સુધી 12 જેટલા આરોપીઓને જેલ ભેગા કર્યા છે ત્યારે પેપર લીક કાંડનો મુખ્ય સૂત્રધાર યશપાલ ભાગતો ફરી રહ્યો છે. આશ્ચર્યની વચ્ચે યશપાલને પણ લોક રક્ષક દળમાં ભરતી થવાનું હતું અને આ માટે તેણે સુરતના અલથાણ વિસ્તારમાં આવેલા દયાળજી કસનજી ભટારકર વિદ્યાસંકુલમાં લોક રક્ષક દળની પરીક્ષા પણ આપી હતી.

સીસીટીવી ફૂટેજમાં દેખાય છે કે યશપાલ પરીક્ષા કેન્દ્રમાં આવે છે અને રૂમ નંબર-21ના બ્લોક નંબર સાતમાં આવીને પરીક્ષા આપવા બેસે છે. પરીક્ષા પણ આપે છે. અને બહાર નીકળી જાય છે. પરંતુ જ્યારે પેપર લીક થયાની જાણ થયા બાદથી યશપાલ ભાગી ગયો છે. તેનો પરીક્ષા ક્રમાંક 11 દર્શાવવામાં આવ્યો છે અને તેની જન્મ તારીખ 24 મે,1991 દર્શાવેલી હોવાનું જણાઈ આવી રહ્યું છે.

હાલ યશપાલને પોલીસ શોધી રહી છે. અલગ-અલગ 12 જેટલી ટીમો બનાવી યશપાલની તપાસ કરવામાં આવી રહી છે. યશપાલ પકડાશે તો નવા રહસ્યો ખૂલવાની શક્યતા જોવા મળી રહી છે.

Share
WP Twitter Auto Publish Powered By : XYZScripts.com