અમદાવાદઃ ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ શહેરમાં કોરોનાએ જાણે ભરડો લીધો છે. અમદાવાદમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના પરિણામે હવે કોરોના વોરિયર્સ પણ આ વાયરસનો ભોગ બની રહ્યા છે. માહિતી મુજબ અમદાવાદ પોલીસ કમિશનર કચેરીમાં એક સાથે 8 પોલીસકર્મીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ફફડાટ ફેલાયો છે. અમદાવાદ કંટ્રોલ રૂમના પોલીસ અધિકારી કોરોના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યા હોવાની માહિતી મળતા 10 પોલીસકર્મીના ટેસ્ટ કરાયા હતા, જેમાંથી 8ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જાણવા મળી રહ્યું છે કે પોલીસ કમિશનર કચેરીમાં જે 8 પોલીસકર્મીઓ પોઝિટીવ આવ્યા છે તેઓ એક જ શિફ્ટમાં ફરજ બજાવતા હતા. જ્યારે નેગેટિવ રિપોર્ટ આવનાર અન્ય 2 પોલીસકર્મીને પણ ક્વોરેન્ટીન કરવામાં આવ્યા છે. આ સાથે જ કોરોના પોઝિટિવ આ 8 પોલીસકર્મીના પરિવારના સભ્યોના પણ રિપોર્ટ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં અત્યાર સુધીમાં કોરોનાના 9724 કેસો નોંધાયા છે, જેમાંથી 3658 લોકો સ્વસ્થ થયા છે. જ્યારે કોરોનાને કારણે 645 લોકોના મોટ થયા છે. હાલ, અમદાવાદમાં 5421 દર્દીઓ સારવાર હેઠળ છે.