ઓગસ્ટ મહિનામાં લોકો જાહેર રજાઓમાં ફરવા જવાની યોજના બનાવી રહ્યા છે. લોકો ફરવા જાય ત્યારે વાહનવ્યવહારની સારી સુવિધા મળી રહે તે માટે એસટી નિગમ દ્વારા આગોતરું આયોજન પણ કરવામાં આવ્યું છે. પ્રવાસીઓના ધસારાને જોતા તમામ ડેપોમાંથી વધારાની બસો દોડાવવામાં આવશે. રક્ષાબંધન, જન્માષ્ટમી, લોકમેળામાં જતા મુસાફરો માટે એસટી નિગમ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે તહેવારોમાં પ્રવાસીઓના ધસારાને જોતા ખાનગી બસોના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. સાથે સાથે એસટી નિગમની બસોમાં પ્રવાસીઓ સસ્તી અને સલામત મુસાફરી કરી શકે તે માટે આવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
જન્માષ્ટમીના તહેવાર દરમિયાન સૌરાષ્ટ્રમાં પ્રવાસીઓની ભીડ વધી જાય છે. મુસાફરોને સસ્તી અને સલામત સેવાઓનો લાભ મળી રહે તે માટે એસટી નિગમ દ્વારા તમામ ડેપો મેનેજરોને સૂચના આપવામાં આવી છે. દર વર્ષે તહેવારોમાં પ્રવાસીઓનો ધસારો વધી જાય છે. ત્યારે દરેક વર્ષના ડેટાનો અભ્યાસ કરીને આગળનું આયોજન કરવા સૂચના આપવામાં આવી છે. 7મી ઓગસ્ટથી 21મી ઓગસ્ટ દરમિયાન વધારાની બસોનું અગાઉથી આયોજન કરવામાં આવ્યું છે. ન્યૂઝ18 ગુજરાતી સાથે વાત કરતાં એસટી નિગમના સચિવ કે. ડી.દેસાઇએ જણાવ્યું હતું કે, રક્ષાબંધન, જન્માષ્ટમીની જાહેર રજા અને જાહેર મેળાને ધ્યાનમાં રાખીને એસટી નિગમ દ્વારા વધારાની બસો દોડાવવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
પ્રવાસીઓના ધસારાને ધ્યાનમાં રાખીને વધારાની બસો ચલાવવા માટે તમામ ડેપો મેનેજરોને સૂચના આપવામાં આવી છે, જેથી પ્રવાસીઓને બસ સરળતાથી મળી રહે. જેના કારણે ડેપો મેનેજરને પણ હેડક્વાર્ટર ન છોડવા સૂચના આપવામાં આવી છે. જો તમે ગ્રુપમાં ટિકિટ બુક કરો છો અને રિટર્ન ટિકિટ સાથે બુક કરો છો, તો તમને 10 ટકા ડિસ્કાઉન્ટ મળશે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિતના ડિવિઝનમાંથી વધારાની બસો દોડાવવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મેટ્રો, જિલ્લા મુખ્યાલય, તાલુકા મુખ્યાલયોને જોડતી સેવાઓને પીક અવર્સ દરમિયાન ફ્રીક્વન્સી વધારવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ સાથે મહત્વના પોઈન્ટ પર ટ્રાફિક સુપરવાઈઝર પણ ફરજ પર હાજર રહેશે.
ડેપો કંટ્રોલ પોઈન્ટ પર ટીસી દ્વારા મુસાફરોના ધસારાને જોતા વધારાના વાહનોની જરૂર જણાય તો ડેપો મેનેજર સાથે પરામર્શ કરીને તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. જ્યાં મહત્તમ ઓનલાઈન બુકિંગ થાય છે તે સેવાઓ પર ઓનલાઈન રિઝર્વેશન માટે વધારાની સેવાઓ આપવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે, જેથી મુસાફરોને સરળતાથી બસ મળી શકે.