અમદાવાદઃ કોરોનાની કપરી પરિસ્થિતિ વચ્ચે નકલી પોલીસ બનીને લોકો પાસેથી રૂપિયા ખંખેરતા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે ત્યારે અમદાવાદમાંથી વધુ એક નકલી પોલીસ ઝડપાઈ હતી. જોકે, રામોલમાં અસલી પોલીસે નકલી પોલીસની પોલ ખોલી હતી. અને ઝડપી પાડ્યો હતો. આ યુવક પીએસાઆઈ બનવાનો શોખ પુરો ન થતાં નકલી પીએસઆઈ બનીને લોકો ઉપર રૌફ જમાવતો હતો.
મળતી માહિતી પ્રમાણે, રામોલ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન રાજીવ નગર ટેકરા પાછળ ગોપી ડેરીના ગોડાઉન પાસે એક સ્વિફ્ટ ડિઝાયર કાર શંકાસ્પદ હાલતમં જોવા મળી હતી. જે બાદ પોલીસે તેમાં તપાસ કરી હતી અને કારચાલક કનુભાઈ પટેલની પૂછપરછ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આ કાર તેમના જમાઈ પીએસઆઈ જે.વી બિહોલાની છે.
જેથી પોલીસે તેમના જમાઈ જે.વી. બિહોલાને સ્થળ પર બોલાવ્યા હતા. જોકે પીએસઆઇના વહેમમાં ફરતા એવા જે. વી. બિહોલા યુનિફોર્મ પહેરીને નંબર પ્લેટ વગરની ક્રેટા કાર લઈને આવ્યો હતો. એટલું જ નહિ તેણે પોલીસ સમક્ષ બનાવટી આઇકાર્ડ પણ રજૂ કર્યું હતું. પરંતુ અસલી પોલીસને શંકા જતા તેઓની ઉલટ પૂછપરછ શરૂ કરી હતી. જેમાં તેનો ભાંડો ફૂટી ગયો અને પોતે બનાવટી પી.એસ.આઈ હોવાનું કબૂલી લીધુ હતું.
હાલમાં પોલીસે બંનેની વિરુદ્ધમાં ગુનો દાખલ કરી બે કાર, ત્રણ મોબાઈલ સહિત રૂપિયા 8 લાખ 26 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે આરોપીએ આ પ્રકારે અન્ય કોઈ ગુના આચર્યા છે કે કેમ તે અંગે પણ વધુ તપાસ શરૂ કરી છે.