અમદાવાદ : કોરોનાનો કહેર સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે ગુજરાતનું અમદાવાદ શહેર પણ ચીનનું ‘વુહાન’ બની રહ્યું છે. અમદાવાદમાં દિવસેને દિવસે કોરોના પોઝિટિવ કેસોમાં વધારો થઇ રહ્યો છે. અમદાવાદમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો રાફડો ફાટ્યો હોય તેવી સ્થિતિ છે, ત્યારે સરકાર દ્વારા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સબ સલામતના દાવા પોકળ સાબિત કરતી ઘટના સામે આવી છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલનો સ્ટાફ અચાનક હડતાળ પર ઉતરતા તંત્ર દોડતું થઇ ગયું છે. હોસ્પિટલનાં કેન્સર વિભાગના ડોક્ટરો અને સ્ટાફ પીપીઈ કીટ અને માસ્કની માંગ સાથે હડતાળ પર ઉતર્યા છે.
ગુજરાત સરકારે જાહેરાત કરી હતી કે, કોરોનાની સ્થિતિ વચ્ચે રાજ્યમાં જ પીપીઈ કીટ અને માસ્ક તેમજ વેન્ટિલેટર બની રહ્યા છે અને સમગ્ર રાજ્યની હોસ્પિટલમાં આ તમામ વસ્તુની નહીં સર્જાય. પરંતુ બીજી બાજુ રાજ્યમાં સૌથી વધુ કેસ ધરાવતા અમદાવાદ શહેરની સિવિલ હોસ્પિટલમાં જ ડોકટરોની પ્રાથમિક જરૂરિયાતની પીપીઈ કીટ અને માસ્કની માંગે સરકારના આ દાવાની પોલ ખોલી નાખી છે.
માહિતી મુજબ, સિવિલ હોસ્પિટલના કેન્સર વિભાગના 40થી પણ વધારે કોરોના વોરીયર્સ જેમાં ડોક્ટરો અને પેરા મેડિકલ સ્ટાફનો સમાવેશ થાય છે, જેઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. જે બાદ સતત કેન્સર વિભાગના ડોક્ટરો અને તંત્ર વચ્ચે રકઝક જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, તંત્રએ કેન્સર વિભાગને પણ ડેજિગ્નેટેડ કોવિડ હોસ્પિટલ તરીકે કાર્યરત કર્યો છે. હાલ કેન્સર વિભાગમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર ચાલી રહી છે. તેવામાં સ્ટાફ હડતાળ પર ઉતરતા જ તંત્રમાં દોડધામ મચી ગઈ છે.
સિવિલ હોસ્પિટલ પ્રશાસન દ્વારા હડતાળ પર ઉતરેલા મેડિકલ સ્ટાફને કારણે કોરોના પોઝિટિવ દર્દીઓની સારવારમાં કોઈ સમસ્યા ન આવે તે માટે તાત્કાલિક પગલાં લેવામાં આવી રહ્યા છે. આ સાથે જ હડતાલ પર ઉતરેલા ડોક્ટર્સ અને સ્ટાફની સાથે મિટિંગ યોજી તેમને સમજાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
નોંધનીય છે કે, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને સરકારનાં સવિચોએ હજુ ગઈકાલે (7 મે) જ પ્રેસ કોન્ફરન્સને સંબોધીને જણાવ્યું હતું કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલ કોરોના પોઝિટિવ દર્દીની સારવાર માટે સજ્જ છે અને અહીં કોરોના વોરિયર્સની સુરક્ષા માટે પૂરતી વ્યવસ્થા ઉપલબ્ધ છે. આ સાથે જ ઉમેર્યું હતું કે, ગુજરાતમાં જ કંપનીઓ એન 95 માસ્ક અને પીપીઈ કીટ બનાવી રહી છે. જેના કારણે ગુજરાતમાં પીપીઈ કીટ તેમજ અન્ય જરૂરી વસ્તુઓની કોઈ અછત નહીં સર્જાય. પરંતુ આજે સિવિલમાં જોવા મળેલા આ હડતાળના દ્રશ્યો તંત્ર સામે અનેક સવાલો ઉભા કરી રહ્યા છે.