અમદાવાદ : અમદાવાદ નજીક ત્રાસ રોડ પર આવેલી કેડિલા કંપનીના 21 કામદારોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા કંપનીમાં ફફડાટ ફેલાયો છે.
અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ત્રાસદ ગામે આવેલી કેડીલા ફાર્માસ્યુટીકલ કંપનીના અગાઉ 3 કર્મચારીને કોરોના પોઝિટિવ આવતાં 30 કર્મચારીઓના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે પૈકી 21 કર્મચારીઓનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા ફફડાટ ફેલાયો છે.
અગાઉ કોરોના પોઝિટિવ કેસો સામે આવ્યા બાદ પણ કંપની બંધ કરવામાં આવી નહોતી. જયારે હવે એકસાથે 21 કર્મચારીનો રિપોર્ટ પોઝિટિવ આવતા કંપનીને સીલ કરવામાં આવી છે. નોંધનીય છે કે, કંપનીમાં કોરોનાની વેક્સીન બનાવવા માટે કામ ચાલી રહ્યું હતું. પરંતુ અહીંના જ લગભગ 21થી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કંપનીને તાળા મારવાની નોબત આવી છે.
દિવસે ને દિવસે બેકાબૂ બનતા કોરોનાની ઝપેટમાં હવે અમદાવાદ શહેર સહિત જિલ્લાના ગામડા પણ આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર, કંપનીના આ 21 પોઝિટિવ કેસો પૈકી 9 કર્મચારી ધોળકાના રહેવાસી છે. જયારે 8 કર્મચારી અમદાવાદના, 1 કર્મચારી ભાતનો, 1 કર્મચારી પીસાવડાનો, 1 કર્મચારી ત્રાસદનો અને 1 કર્મચારી મહુવાનો છે.