અમદાવાદઃ પ્રેમ પ્રસંગમાં મારામારી થવી સામાન્ય બાબત છે. જ્યારે પ્રેમ સંબંધમાં હત્યા જેવા ગંભીર પ્રકારના ગુનાઓ પણ બનતા રહે છે. અમદાવાદમાં ઘાટલોડિયા વિસ્તારમાં કારમાં આવેલા ચાર લોકોએ યુવકને ગાળો બોલીને માર માર્યો હતો. એટલું જ નહીં અવાવરું જગ્યાએ લઈ જઈને લોખંડની પાઈપ અને લાકડાના દંડા વડે ગુપ્ત ભાગે સહિત શરિરના અન્ય ભાગોમાં પણ માર માર્યો હતો. આ અંગે પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથધરી હતી.
બનાવની વિગતે વાત કરીએ તો ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા 25 વર્ષીય યુવકે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે કે, 24મી માર્ચના દિવસે સાંજે સાતેક વાગ્યાની આસપાસ તે યારા કા ઢાબાની સામે આવેલી સરકારી ચાવડી પાસે એક્ટિવા લઇને ઊભો હતો ત્યારે એક વર્ના કારમાંથી ત્રણ યુવકો ઉતરી તેની નજીક આવ્યા હતા.
જેમાંથી એક યુવકે ફરિયાદીને ‘તું મારી ગર્લફ્રેન્ડ સાથે કેમ બોલે છે’ તેમ કહીને ફરિયાદીને ગાડીમાં બેસાડ્યો હતો. ચાલુ ગાડીએ આરોપીઓએ ફરિયાદીને બીભત્સ ગાળો બોલી લાફા માર્યા હતા. બાદમાં ન્યૂ રાણીપ ખાતે આવેલા અગોરી પાન પાર્લર સામે લઈ ગયા હતા. જ્યાં પણ તેને ગડદાપાટુનો માર માર્યો હતો.
ત્યાંથી આરોપીઓ ફરિયાદીને ગાડીમાં રેલવે પાટા પાસેની અવાવરૂ જગ્યાએ ગોગા મહારાજના મંદિર પાસે લઈ ગયા હતા. જ્યાં આરોપીઓએ ફરિયાદીને વારાફરતી લોખંડની પાઇપ, ડંડા અને પટ્ટા વડે માર માર્યો હતો. એક આરોપીએ પહેરલું કડું ગરમ કરીને ફરિયાદીના ડાબા હાથના ખભા અને ગાલ પર ડામ આપ્યા હતા. એટલું જ નહીં, ફરિયાદીના કપડાં કાઢીને વીડિયો પણ બનાવ્યો હતો.
સાથે જ ધમકી આપી હતી કે, જો કોઈને આ વાત કહેશે તો તને અને તારા પરિવારને જાનથી મારી નાંખીશ. જે બાદમાં આરોપીઓ ફરિયાદીને ગોકુળ હોટેલ પાસે મૂકી ગયા હતા. જે બાદમાં ફરિયાદીએ તેના ભાઈને બોલાવી સમગ્ર ઘટનાની જાણ કરી હતી. આ મામલે અંતે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે આ સમગ્ર મામલે યુવકની ફરિયાદ લઈને વધુ તપાસ શરૂ કરી છે.