અમદાવાદઃ અત્યારે કોરોના કાળમાં પોલીસ કડકાઈથી સામાન્ય લોકો પાસે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરાવે છે ત્યારે પોલીસ અને પ્રજા વચ્ચે ઘર્ષણ થવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આવી જ એક ઘટના અમદાવાદ શહેરના સાબરમતી વિસ્તારમાં બની હતી. અહીં મહિલાને અટકાવતા મહિલા અને પોલીસ વચ્ચે બબાલ થઈ હતી.
શહેરના સાબરમતીમાં સાબરમતી પોલીસ શુક્રવારે આજે બપોરે લગભગ પોણા બાર વાગ્યાની આસપાસ વિસ્તારમાં માસ્કના મેમોની કામગીરી કરી રહી હતી. તે દરમિયાન હેલ્મેટ અને માસ્ક પહેર્યા વગર એક મહિલા ત્યાંથી નીકળી હતી. જેથી પોલીસે તેને અટકાવી હતી અને લાઇસન્સ તેમજ વાહનના કાગળીયા માંગ્યા હતાં. જો કે એક્ટિવા ચાલક મહિલા મન ફાવે તેમ બોલવા લાગી હતી.
આથી, પોલીસે આ મહિલાને માસ્કના પહેરવા બદલ દંડ ભરવા માટેની જાણ કરતા જ તે ઉશ્કેરાઇ ગઇ હતી અને પોતે પહેરેલ કપડા જાહેરમાં ઉતારવા લાગેલી અને મહિલા પોલીસ કર્મચારીને મારવા માટે દોડી હતી. એટલું જ નહીં મહિલા પોલીસ કર્મચારી સાથે ઝપાઝપી કરીને તેને બે-ત્રણ લાફા પણ મારી દીધા હતાં. બાદમાં એક્ટિવા લઈને તે મહિલા ત્યાંથી ફરાર થઈ ગઈ હતી.
જો કે, મહિલા પોલીસની કાયદેસરની ફરજમાં અડચણરૂપ બનીને માર મારીને ભાગી ગઇ હોવાથી તેની વિરુદ્ધમાં પોલીસે ઇ.પી.કો. કલમ 323, 186, 188 અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005ની કલમ 51 (બી), તેમજ જી.પી.એક્ટ કલમ 110, 117 મુજબ ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.