ગુજરાત ATSએ ચરસ અને એમ્ફેટામાઈન (ઉત્તેજક દવા) જેવા ડ્રગ્સની દાણચોરીનું રેકેટ ચલાવવા માટે અમદાવાદમાંથી બે વ્યક્તિ અને અમરેલી જિલ્લામાંથી એક વ્યક્તિની ધરપકડ કરી છે.આરોપીઓ પોતાને બચાવવા માટે ઈ-કોમર્સ કંપનીનો ઉપયોગ કરતા હતા. એક અધિકારીએ જણાવ્યું કે, આ ટોળકી અગ્રણી ઈ-કોમર્સ કંપની દ્વારા ઉપયોગમાં લેવાતા બોક્સમાં ડ્રગ્સ મોકલતી હતી અને પોતાને પકડાવાથી બચાવવા માટે VoIP અને એન્ક્રિપ્ટેડ ટેક્સ્ટ મેસેજનો ઉપયોગ કરતી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે આરોપીઓ ગુજરાત બહારથી માદક દ્રવ્યો મંગાવતા હતા અને અત્યાર સુધીમાં સુરત અને વડોદરા સહિત રાજ્યના વિવિધ ભાગોમાં ડ્રગ્સ સપ્લાય કરતા હતા.
ATS ને તાજેતરમાં જાણવા મળ્યું હતું કે અમરેલી જિલ્લાના કેટલાક શખ્સો અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં ભાડાના ફ્લેટમાંથી ડ્રગ્સ રેકેટ ચલાવી રહ્યા હતા. ATS ના નાયબ પોલીસ અધિક્ષક હર્ષ ઉપાધ્યાયે પત્રકારોને જણાવ્યું હતું કે તે ઇનપુટના આધારે, એટીએસની ટીમે સોમવારે વહેલી સવારે વસ્ત્રાપુર વિસ્તારમાં એક ફ્લેટમાં દરોડો પાડ્યો હતો અને 8.28 લાખ રૂપિયાની કિંમતના 3.63 કિલો માદક પદાર્થ સાથે બે લોકોને પકડ્યા હતા. આરોપી ઓ પાસેથી 321.52 ગ્રામ ચરસ, 60.53 ગ્રામ ઓપિયોઇડ ડેરિવેટિવ્ઝ, 19.85 ગ્રામ એમ્ફેટામાઇન અને 3.23 કિલોગ્રામ ગાંજાનો સમાવેશ થાય છે. પકડાયેલા આરોપીઓની ઓળખ અમરેલીના મોટા લીલીયા ગામના રહેવાસી સોહિલ શિમરન અને બાસિત સમા તરીકે થઈ છે.
બે આરોપીઓએ પોલીસને જણાવ્યું હતું કે આકાશ વિંઝાવા સમગ્ર રેકેટ ચલાવી રહ્યા હતા જેના પગલે ATSની એક ટીમ અમરેલીના રાજુલા શહેરમાં પહોંચી હતી અને સોમવારે સવારે તેની તેના ઘરેથી ધરપકડ કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું. આકાશ અને અન્ય લોકોએ નશાખોરો પાસેથી ઓર્ડર લેવા અને કુરિયર સેવા દ્વારા અથવા ખાનગી લક્ઝરી બસોના ડ્રાઇવરો અને ક્લીનર્સ દ્વારા માદક દ્રવ્યોની સપ્લાય કરવા માટે ઈ-કોમર્સ વેબસાઇટ બનાવી હતી. તેઓ ગુજરાત બહારથી ડ્રગ્સ મંગાવતા હતા. અમને આરોપીઓ પાસેથી તે સપ્લાયરની વિગતો પણ મળી છે. આ ટોળકી ઈ-કોમર્સ કંપની એમેઝોન દ્વારા ઉપયોગમાં લેવાતા બોક્સમાં ડ્રગ્સ મોકલીને અધિકારીઓને છેતરતી હતી. પકડાઈ જવાથી બચવા માટે આરોપીઓએ વીઓઆઈપી અને એન્ક્રિપ્ટેડ ટેક્સ્ટ મેસેજનો પણ ઉપયોગ કર્યો હતો.
આ ગેંગ ઓનલાઈન મોડ અથવા આંગડિયા (એક કુરિયર સેવા) દ્વારા ચૂકવણી સ્વીકારતી હતી. અત્યાર સુધી તેઓએ સૌરાષ્ટ્ર, સુરત, વડોદરા અને મહેસાણાના જુદા જુદા ભાગોમાં ડ્રગ્સ સપ્લાય કર્યું છે. ત્રણેય આરોપીઓ સામે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ, 1985ની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. અમરેલીના કોવાયા ગામનો અન્ય એક વ્યક્તિ કરણ વાળા હજુ પણ ફરાર છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.