રાજયમાં હવામાન વિભાગે ફરી એકવાર વરસાદની આગાહી કરી છે. જેમાં આગામી 3 દિવસમાં ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. 9 અને 10 ઓગસ્ટના રોજ અમદાવાદમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.હવામાન વિભાગ કરેલી આગાહી પ્રમાણે, આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાતનાં અમદાવાદ, ગાંધીનગર વડોદરામાં મધ્યમથી ભારે વરસાદ રહેશે. 9 અને 10 ઓગસ્ટે અમદાવાદને મેઘરાજા ધમરોળશે. ત્યાં જ 10 અને 11 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદનું જોર રહેશે.
બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર તેમજ દાહોદમાં પણ ભારે વરસાદ પડી શકે છે. વલસાડ, દમણ અને દાદરા અને નગર-હવેલીમાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્ર કચ્છમાં 11મી ઓગસ્ટના રોજ અત્યંત ભારે વરસાદની આગાહી છે. ત્યાં જ ગીર-સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં અત્યંત ભારે વરસાદ ખાબકવાની શક્યતા છે.ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં વરસાદ ખાબક્યો છે, જેમાં ઉપલેટા અને ઉમરગામમાં 4 ઈંચ, જામકંડોરણા અને હિંમતનગરમાં સાડાત્રણ ઈંચ, દાહોદ, બગસરા, બાબરા અને રાણાવાવમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં સીઝનનો 76.21 ટકા વરસાદ થયો છે. રાજ્યમાં અત્યારસુધીમાં કચ્છમાં 125 ટકા વરસાદ નોંધાયો છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં 87 ટકા વરસાદ પડી ગયો છે. સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાતમાં 62 ટકા અને મધ્ય ગુજરાતમાં 65 ટકા નોંધાયો છે.